વડોદરા-

શહેરની જૂની અને જાણીતી તથા સાહિત્ય પ્રવૃત્તિઓને સમર્પિત સંસ્થા પ્રેમાનંદ સાહિત્ય સભાના ઉપપ્રમુખપદે હાલ સેવારત એવા સાહિત્યકાર અને જાણીતા કવિ વિરંચી ત્રિવેદીનું શનિવારે રાત્રે નિધન થવાથી તેમના સ્વજનો મિત્રો તેમજ સાહિત્યવર્તુળના રસિકોમાં ભારે શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. તેમના નિધનના દુઃખદ સમાચાર તેમના મિત્ર દુર્ગેશ ઉપાધ્યાય દ્વારા સોશ્યલ મિડિયા પર શેર કરવામાં આવ્યા હતા. 

ત્રિવેદી સુજ્ઞ સાહિત્યકાર અને કવિ ઉપરાંત વાર્તાકાર, વિવેચક, નાટ્યકાર અને બાળ સાહિત્યકાર પણ હતા. તેમના બાળસાહિત્યના અનેક પુસ્તકોને સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા છે. તેમણે પોતાના ડોક્ટરેટ દરમિયાન રજૂ કરેલા સંશોધન ગ્રંથને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત પણ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં પણ આ જ ગ્રંથને કુમાર ફાઉન્ડેશન ગોધરા દ્વારા પણ ઈનામથી નવાજવામાં આવ્યો હતો. તેમને આ માટે ભોગીલાલ સાંદેસરા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સાહિત્યકાર અને વિવેચક તેમજ વિરંચી ત્રિવેદીના સાહિત્યિક મિત્ર દુર્ગેશ ઉપાધ્યાયે સંસ્મરણો વાગોળતાં પોતાની સોશ્યલ મિડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે તાજેતરમાં જ તેમના વાર્તાસંગ્રહની પ્રસ્તાવના પણ દિવંગત વિરંચી ત્રિવેદી દ્વારા લખવામાં આવી હતી.