રાજકોટ, રાજકોટના ડઝનથી વધુ સોની વેપારીઓ માટે દિવાળી ટાણે જ હોળીનો ઘાટ સર્જાયો હોય તેમ દાગીના બનાવતી પેઢીના સંચાલકે ડઝનથી વધુ જ્વેલર્સના રૂા. ૫.૩૦ કરોડની કિંમતના ૧૦ કિલો સોનાનું ફુલેકુ ફેરવી લેતા ખળભળાટ સર્જાયો છે. પોલીસે સોનુ ઓળવી ગયેલા સોની શખ્સને રાતોરાત ઉઠાવી લઇ ગુનો દાખલ કર્યો છે.સોની બજારની આ ફુલેકાની ઘટના વિશે શહેર ડીસીપી ઝોન-૧ પ્રવિણકુમાર તથા ઝોન-૨ના ડીસીપી મનોહરસિંહ જાડેજાએ બપોરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જુદા-જુદા વેપારીઓએ દાગીના નિર્માતા પેઢીઓનું સોનુ ઓળવી લીધું હોવાની ફરિયાદ કરી હતી તેના આધારે પ્રાથમિક તપાસમાં જ તથ્ય માલુમ પડતા સકંજામાં લઇ લેવામાં આવ્યો હતો. કેવડાવાડીમાં રહેતા તેજસ ઉર્ફે બોબી શિરીષભાઈ રાણપરા દ્વારા જુદા જુદા વેપારીઓનું ૧૦ કિલો સોનુ ઓળવી લીધું છે. તેની કિંમત રૂા. ૫.૩૦ કરોડ થાય છે.૧૦ વેપારીઓ છેતરપીંડીનો ભોગ બન્યા હતા. આ મામલે વિધિસર ગુનો દાખલ કરીને તેજસ ઉર્ફે બોબીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી આઠ વર્ષથી રાજકોટમાં સોનાનો ધંધો કરતો હતો. અને જ્વેલર્સો સાથે પરિચય ધરાવતો હતો તેના આધારે વિશ્ર્‌વાસ કેળવીને દાગીના બનાવવા માટે સોનુ મેળવતો હતો. પ્રાથમિક પુછપરછમાં આરોપીએ એવી કબુલાત આપી હતી કે નાણાંની જરુરિયાત હોવાથી તેણે ઉછીના રુપિયા લીધા હતા. નાણા તથા વ્યાજ ચુકવવા માટે સોનુ ઉપયોગમાં લઇ લીધું હતું. સુત્રોનાં કહેવા પ્રમાણે મકાન-કાર સહિત માટે તેણે મોટી લોન લીધી હતી. દર મહિને ૧૦ થી ૧૫ લાખ હપ્તા પેટે ચૂકવતો હતો. પોલીસની તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આઠેક વર્ષથી રાજકોટ આવીને ધંધો કરતા આ શખ્સે ભૂતકાળમાં અમદાવાદમાં પણ સમાન રીતે છેતરપીંડી આચરી હતી. સાત વર્ષે ૨૦૧૩-૧૪માં અમદાવાદના ખાડીયા પોલીસ સ્ટેશનમાં ૨ કિલો સોનાની છેતરપીંડીનો ગુનો દાખલ થયો હતો.સોની બજારમાં દિવાળી ટાણે જ ઠગાઈ-છેતરપીંડીના આ બનાવથી ખળભળાટ સજર્યો છે. અને સમગ્ર માર્કેટમાં આ પ્રકારની આ પ્રકરણની જ ચર્ચા છે. ૧૦ કિલોમાંથી અંદાજીત સાત કિલો સોનુ ટોચના ત્રણ જ્વેલર્સનું જ હોવાનું કહેવાય છે.

 અગાઉ વડોદરામાં પણ ફુલેકુ ફેરવ્યાની ચર્ચા આ શખ્સ વ્યાજના ચક્કરમાં આવી ગયો હતો. ત્રણ ટકા કે તેથી પણ ઉંચા વ્યાજદરે નાણાં લીધા હતા. મૂળ તે વડોદરાનો હતો. વડોદરામાં પણ ‘કળા કરીને આવ્યો હતો. તેવી લાલબત્તી જે તે વખતે ઉઠાવવામાં આવી હતી જ્યારે વેપારીઓએ ખાસ ગંભીર ગણી નહતી. વ્યવહાર નોર્મલ રીતે જ થતા હોવાથી ચેતવણી પણ ભુલાઈ ગઇ હતી હવે નવેસરથી વડોદરાની ચર્ચાએ પણ જાેર પકડ્યું છે.