કોરોના વચ્ચે રમાઈ રહેલી શ્રેણીની પ્રથમ મેચમાં વેસ્ટ ઇન્ડીઝે ઇંગ્લેન્ડને ૪ વિકેટે હરાવી ૧-૦થી લીડ મેળવી લીધી છે. આ મેચની પ્રથમ ઇનિંગમાં ૪ વિકેટ અને બીજી ઇનિંગમાં ૫ વિકેટ ઝડપનાર શેનોન ગેબ્રિયલ મેચનો ધ મેચ બન્યો હતો.

ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ ટેસ્ટની સીરિઝની બીજી મેચ માન્ચેસ્ટરમાં રમાશે. વેસ્ટ ઇન્ડીઝ આ મેચ જીતે તો ઇંગ્લેન્ડમાં ૩૨ વર્ષ પછી ટેસ્ટ સીરિઝ જીતશે. છેલ્લે વેસ્ટ ઇન્ડીઝે ૧૯૮૮માં ઇંગ્લેન્ડને તેના ઘરે ૫ ટેસ્ટની સીરિઝમાં ૪-૦થી હરાવ્યું હતું.ફાસ્ટ બોલર જોફરા આર્ચરે કોવિડ-૧૯ બાયોસિક્યુરિટી પ્રોટોકોલ તોડતા તેને બીજી ટેસ્ટ માટેની ટીમમાંથી ડ્રોપ કરવામાં આવ્યો છે. તે સાઉથહેમ્પટનથી માન્ચેસ્ટર આવતા રસ્તામાં પોતાના ઘરે બ્રાઈટનમાં રોકાયો હતો. હવે ૫ દિવસ સેલ્ફ આઇસોલેશનમાં રહેશે. તેમજ ૨ વખત કોરોના ટેસ્ટ કરાવશે અને બંને રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ ટીમ સાથે જોડાશે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે વિન્ડિઝની ટીમને આ અંગે જાણકારી આપી દીધી છે. આર્ચરે બોર્ડ દ્વારા રિલીઝ કરાયેલા સ્ટેટમેન્ટમાં માફી માગી છે.

ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે અત્યાર સુધીમાં ૧૫૮ ટેસ્ટ મેચ રમાઈ છે. તેમાંથી ઇંગ્લેન્ડ ૪૯ ટેસ્ટ જીત્યું, ૫૮ હાર્યું અને ૫૧ મેચ ડ્રો રહી હતી. તે જ સમયે, ઇંગ્લિશ ટીમે ઘરમાં વિન્ડિઝ સામેની ૮૭ મેચમાંથી ૩૪ મેચ જીતી અને ૩૧ હારી છે. જ્યારે ૨૨ મેચ ડ્રો થઈ છે.