દિલ્હી-

પ્રજાસત્તાકદિને રાજધાનીમાં ખેડૂતોની રેલી દરમિયાન ફેલાયેલી અરાજકતાનો સામનો કરી ચૂકેલી કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસે આજે રાજધાનીમાં કોઈપણ પ્રકારની વિપરીત સ્થિતીને પહોંચી વળવા માટે આગોતરી સાવચેતી વાપરીને 50,000 જેટલા સુરક્ષાદળના કર્મચારીઓને તૈનાત કરી દીધા છે. 

રાજધાનીમાં કોઈપણ સ્થાને વાહનો કે વ્યક્તિઓને જવા દેવા પહેલા તેમની પૂછપરછ શરૂ કરી દેવાઈ છે. જો કે, આમાં આવશ્યક સેવાઓને બાદ રાખવામાં આવી છે. ખેડૂતોએ બાંયધરી આપી છે કે, બપોરે 12-00 થી 3-00 સુધી ચાલનારું આ ચક્કાજામ અને રોષ પ્રદર્શન શાંતિપૂર્ણ અને અહિંસક રીતે કરવામાં આવશે, છતાં દિલ્હી સરકાર આ બાબતે કોઈ બાંધછોડ કરવા માંગતી નથી. દિલ્હીમાં બંદોબસ્ત માટે આઈટીબીપી, તથા સીઆરપીએફના અર્ધસૈન્યદળો અને રેપિડ એક્શન ફોર્સના જવાનોને મોટી સંખ્યામાં અનેક સ્થળે તૈનાત કરી દેવાયા છે. ખાસ સેલના સ્વેટ તેમજ એનએસજીના જવાનોને પણ તૈનાત કરી દેવાયા છે. 

રાજધાનીમાં અનેક સ્થળે બોંબ અને ડોગ સ્ક્વોડને તૈનાત કરી દેવાઈ છે. ખાસ કરીને જાહેર બજારો તેમજ ધાર્મિક અને ઐતિહાસિક મહત્વના સ્થળોએ બંદોબસ્ત વધારી દેવાયો છે, જેમાં લાલ કિલ્લો, ઈન્ડિયાગેટ અને સંસદમાર્ગનો સમાવેશ થાય છે. રાજધાનીમાં ઠેકઠેકાણે નજર રાખવા માટે સીસીટીવી કેમરા ગોઠવી દેવાયા છે. જો કે, પોલીસે જણાવ્યું હતું કે, બળપ્રયોગ ભાગ્યે જ કરવામાં આવશે અને તે પણ જો આત્યંતિક સ્થિતી ઊભી થઈ તો. આ સમય દરમિયાન કેટલાંક અસમાજીક તત્વો કાનૂન ભંગ કરીને અરાજકતા ફેલાવે એવા ગુપ્તચર હેવાલોને પગલે પોલીસ વધારે સજાગ થઈ ગઈ છે.