મુંબઈ-

બિટકોઈનના ભાવોમાં છેલ્લા એક વર્ષમાં ભારે ઉછાળો આવ્યો છે. એક વર્ષ પહેલા આ ડિજીટલ કરન્સીના ભાવો 10,000 ડોલર્સ હતા જે આજે વધીને 50,000 ડોલર્સ થઈ ગયા છે. ઈન્ટ્રા ડે દરમિયાન આ ભાવો ક્યારેય આટલા ઊંચા નહોતા ગયા. મંગળવારે ઈન્ટ્રા ડેમાં બિટકોઈનના ભાવો 50,000 ડોલર્સને પાર થઈ ગયા હતા. સાથે જ છેલ્લા ત્રણ માસમાં બિટકોઈનના ભાવોમાં 200 ટકા સુધીનો ઉછાળો આવી ગયો છે. 

સમગ્ર દુનિયામાં વર્ચ્યુઅલ કરન્સી તરીકે ભારે લોકપ્રિયતા ધરાવતી આ ડિજીટલ કરન્સીના ભાવો ચાલુ વર્ષે વિક્રમી વેપાર કરી રહ્યા છે. તેનું કારણ એ છે કે, ટેસ્લા સહિતની અનેક મોટા બિઝનેસ કોન્ટ્રાક્ટ મેળવતી કંપનીઓના માલિક ઈલન મસ્કે જાહેરાત કરી છે કે, તે પોતાની કારના નાણાનાં પેમેન્ટ માટે બિટકોઈન સ્વીકારશે. હવે તેની પાછળ બીજી અનેક કંપનીઓ એ રસ્તે જવાનું વિચારી રહી છે. આમ, નજીકના ભવિષ્યમાં માસ્ટર કાર્ડ, બેંક ઓફ ન્યુ યોર્ક તેમજ મોર્ગન સ્ટેનલી સહિતની અનેક કંપનીઓ હવે ડિજીટલ કરન્સી બિટકોઈનથી પેમેન્ટ લેવાનું વિચારી રહી છે. જો આમ થાય તો હાલમાં બિટકોઈનમાં જે તેજી જોવાઈ છે એ હજી ચાલુ રહી શકે છે. એટલું જ નહીં પણ ભવિષ્યમાં તેમાં ભારે ઉછાળો આવી શકે છે. ત્યાં સુધી કે, શેર, ગોલ્ડ કે અન્ય કિંમતી ધાતુઓના રોકાણ વિકલ્પે તેને જોઈ શકાય છે. માસ્ટર કાર્ડ અગાઉ પણ વાયરેક્સ અને બિટ-પે જેવી વર્ચ્યુઅલ કરન્સી સાથે ભાગીદારી કરી ચૂકી છે. જો કે, નિષ્ણાતોના મતે આગામી સમયમાં બિટકોઈનના ભાવોમાં કડાકો જોઈ શકાય છે. ત્યાં સુધી હાલમાં તો બિટકોઈનના ભાવોનું તોફાન જોઈને બજારના અનુભવીઓ પણ સ્તબ્ધ થઈ ગયા છે.