ગાંધીનગર-

સચિવાલયમાં ફરજ પર મોડા આવનારા અને વહેલા જનારા કર્મચારીઓ સામે ગુજરાત સરકારે લાલ આંખ કરી છે. ગુજરાત સરકારના નાણા વિભાગે આ અંગે એક પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્ર મુજબ સરકારી કચેરીમાં સવારે 10.30 વાગ્યાથી સાંજે 6.10 વાગ્યા સુધી ફરજ પર હાજર રહેવાનું હોય છે. જોકે, કેટલાક કર્મચારીઓ 10.40 પછી કચેરીમાં હાજર થતાં હોય છે. તેમજ સાંજે 6 વાગ્યા પહેલા જ ઘરે રવાના થઈ જતાં હોય છે. નવા પરિપત્ર પ્રમાણે, હવે જો કોઈ કર્મચારી આવા કિસ્સામાં ત્રીજી વખત પકડાશે તો અડધા દિવસની રજા ગણી લેવાશે. તે ઉપરાંત તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવા પણ સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. સચિવાલયમાં કર્મચારીઓ અનેક વખત મોડા આવતા હોવીની ફરિયાદો આવી છે.  આ ઉપરાંત કર્મચારીઓને સ્વાઇપ કાર્ડમાંથી મુક્તિ આપતા તેમનો ફાયદો કર્મચારીઓ ઉઠાવતા હતા. સચિવાલયમાં બધા વિભાગો છે એકબીજા સાથે સંકળાયેલા હોય છે. ત્યારે કર્મી જો મોડા આવે તો તેની અસર અન્ય વિભાગના કામ પર પણ પડતી હતી. ત્યારે કર્મચારી એક્ટિવ રહે તો સરકારની એક્ટિવિટી દેખાય જેને લઇ આ મહત્વનો નિર્ણય લેવાયો છે.