ગાંધીનગર-

હાલ ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર તેને રોકવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે. ત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી 3 મહિના સુધી મોકૂફ રાખવામાં આવી છે. ત્યારે મુદ્દત પૂરી થતી જશે તે મહાપાલિકા, પાલિકા કે પંચાયત માં વહીવટદારનું શાસન લાદી દેવામાં આવશે અથવા જે ચૂંટાયેલી બોડી છે તેની ટર્મ વધારી દેવામાં આવશે. આ વિકલ્પમાં રાજ્ય સરકાર હાલ જેની સત્તા છે તેની મુદ્દત વધારી દેવાની તૈયારીઓ કરી રહી હોય તેવું જાણવા મળ્યું છે.

સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, સ્થાનિક ચૂંટણીઓ મોકૂફ રાખવાનો નિર્ણય ચોક્કસ વિચારણા વગર જ લેવાયો હતો અને ચૂંટણી પંચને સૂચના આપવામાં આવી હતી. હવે સરકારે થોડાં જ સમયમાં જ્યાં ચૂંટાયેલી બોડીની મુદ્દત પુરી થાય છે ત્યાં વહીવટદાર મુકવું કે સંસ્થાની મુદ્દત વધારવાનો નિર્ણય લેશે. જેમાં ચાલુ બોડીની મુદ્દત વધારવાની હિલચાલ ચાલી રહી છે. 

સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, જો વહીવટદાર નિમાય તો તમામ જવાબદારી ગાંધીનગર પર જ આવી જશે અને ચૂંટણી સુધી વહીવટદાર મારફત પ્રજાના કામો થાય તે જોવું પડશે. તેથી વહીવટદાર મુકવાની સરકારની કોઈ ઈચ્છા નથી. છ મહાપાલિકા- 55 નગરપાલિકા અને 31 જિલ્લા પંચાયત તથા 231 તાલુકા પંચાયતો પર સીધુ ગાંધીનગરથી શાસન સરળ પણ નથી. આઠ મહિનાથી ગુજરાતનું તંત્ર કોરોના સામે લડી રહ્યું છે અને તેને રોકવા તમામ પ્રયત્નો કરી રહ્યું છે. 

ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, અમારી ભૂમિકા ચૂંટણી યોજવા અંગેની છે. બોડીની ટર્મ વધારવી કે વહીવટદાર નિમાય એ સરકાર નિર્ણય કરશે. જોકે ચૂંટણી મોકૂફ રાખવાથી લઈને બોડીની મુદ્દત વધારા કે પછી વહીવટદાર શાસન દરેકને અદાલતમાં પડકાર મળી શકે છે પણ હજુ 10 ડિસેમ્બર પૂર્વે જ નિર્ણય લેવાનો છે તેથી સરકાર પાસે બહુ સમય છે.