વોશિંગ્ટન-

તિબેટના ઝીનજીઆંગ અને હોંગકોંગમાં માનવ અધિકારોના ઉલ્લંઘનનો મુદ્દો ચીનના વિદેશ સચિવ યાંગ જીએચી સામે ઉઠાવતાં અમેરીકી વિદેશસચિવ એન્થની બ્લિન્કને કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય પ્રણાલીના દુરુપયોગ બદલ અમેરીકા ચીનને જવાબદાર ઠેરવશે. ગત તારીખ ૨૦મીના રોજ જાે બાયડેને પ્રમુખપદના શપથ લીધા ત્યારબાદ બંને નેતાઓએ આ પહેલીવાર એકબીજા સાથે મંત્રણા કરી હતી.

ઝીનજીઆંગ, તિબેટ અને હોંગકોંગ સહિતના ક્ષેત્રોમાં અમેરીકા માનવાધિકારો માટે ઊભું રહેશે અને લોકતાંત્રિક મૂલ્યોની જાળવણી કરશે એમ વિદેશ સચિવે ભારપૂર્વક ચીનના વિદેશસચિવને જણાવ્યું હોવાનું કહેવાયું હતું. તેમણે ચીનને અનુરોધ કર્યો હતો કે તે મ્યાંમારની ઘટનાઓને વખોડી નાંખવા માટે સમગ્ર વિશ્વસમુદાય સાથે હાથ મેળવે. તિબેટ ખાતે માનવાધિકારોના દમન અને ઝીનજીઆંગ પ્રાંત ખાતે ઉઈગર મુસ્લીમો સહિતની લઘુમતિ વસ્તીની સામુહિક ધરપકડ કરવા માટે ચીન હાલના સમયમાં સમાચારમાં રહ્યું છે અને વિશ્વભરમાં તેની ટીકા પણ થઈ છે.

હોંગકોંગમાં એક કાનૂની ફેરફાર બાબતે ભારે વિરોધ બાદ ચીને અહીં દમન કરીને વિરોધને દબાવવા પ્રયાસ કર્યો હતો. તાઈવાન અને ભારતીય-પ્રશાંતક્ષેત્રમાં અમેરીકા સમાન મૂલ્યો અને હિત ધરાવતા પોતાના સાથી દેશો સાથે કામ કરતું રહેશે અને ચીનને આ ક્ષેત્રમાં અસ્થિરતા સર્જાશે તો તેના માટે ચીન જવાબદાર લેખાશે. તેમણે કહ્યું હતું કે, અમેરીકા લોકતાંત્રિક મૂલ્યોની રક્ષા માટે ઊભું રહેશે અને આંતરરાષ્ટ્રીય પ્રણાલીના દુરુપયોગ માટે એ ચીનને ઉત્તરદાયી ઠરાવશે.