નવી દિલ્હી- 

ભારત-ચીન સરહદે ચાલી રહેલા વિવાદ મુદ્દે શુક્રવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકારને ઘેરવા પ્રયાસ કરતાં આક્ષેપ કર્યો હતો કે, દેશની સીમાઓની સુરક્ષા કરવી એ વડાપ્રધાનની જવાબદારી છે, ત્યારે ચીનની સામે તેઓ ઝૂકી જાય છે.

મોદી ચીન સામે સખ્ત વલણ કેમ અખત્યાર નથી કરી શકતા એવો સવાલ પૂછતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ભારત-ચીન સરહદે વાસ્તવિક નિયંત્રણ રેખા પર 2020ની એપ્રિલની જે સ્થિતી હતી તેને ભારત સરકારે ફરીથી જાળવવી જોઈએ. ભારતીય સેનાનો કબજો ફિંગર 4 સુધી હતો, ત્યાંથી હટીને હવે તે માત્ર ફિંગર 3 સુધી જ કેવી રીતે રહી ગઈ, એમ તેમણે સરકારને સવાલ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ચીની સૈનિકો દ્વારા ભારતની ભૂમિ અપવિત્ર કરાઈ એ બાબતને સરકારે ચલાવી કેમ લીધી.