મુંબઇ-

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવા પર કટાક્ષ કર્યો છે. તેમણે આજે એસેમ્બલીમાં કહ્યું હતું કે હવે મને લાગે છે કે અમે એક પણ મેચ હારીશું નહીં કારણ કે સ્ટેડિયમનું નામ બદલી નાખવામાં આવ્યું છે.

શિવસેના સુપ્રીમો અને સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ભાજપ વીર સાવરકર પ્રત્યે ઘણો પ્રેમ બતાવી રહ્યો છે. પરંતુ સાવરકરને ભારત રત્ન આપવામાં આવે તે માટે કેન્દ્ર સરકારને બે વખત પત્ર મોકલવામાં આવ્યો હતો. મને કહો કે તે કેમ નથી આપવામાં આવ્યું?

તેમણે વધુમાં કહ્યું કે, ભાજપ તમામ મહાપુરૂષોને હવે પોતાના બતાવી રહી છે. સરદાર વલ્લભભાઇ પટેલ હોય કે સાવરકર. હવે મને લાગે છે કે આપણે એક પણ મેચ હારીશું નહીં, કારણ કે સ્ટેડિયમનું નામ બદલી દેવામાં આવ્યું છે. પરંતુ અમે તમને ખાતરી આપીએ છીએ કે અમે ઔરંગાબાદનું નામ સંભાજીનગર કરી નાંખીશું. ''

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે માત્ર ભારત માતા કી જય બોલવાથી દેશભક્તિ સાબિત થતી નથી. તેમણે કહ્યું કે નીતિશ કુમાર, જે સંઘ મુક્ત ભારતની વાત કરે તેને તમારે માથા પર બેસાડવા પડે છે, આ તમારો હિન્દુત્વ છે. અમને ભાજપ તરફથી હિન્દુત્વ શીખવાની કોઈ પણ જરૂર નથી.