દિલ્હી-

દિલ્હીની સરહદો પર છેલ્લા ૧૦૮ દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. હવે આ ખેડૂતો પ્રદર્શન સ્તળ પર જ પાક્કા મકાન બનાવી રહ્યા છે. સિંધુ બોર્ડર પર ઇંટો વડે મકાનોનું નિર્માણ કામ ચાલી રહ્યું છે. ઘર માટે ઇંટોની દિવાલ બનાવવામાં આવી રહી છે. હવે તેના પર પાક્કી છત પણ ભરવામાં આવશે. આ ઘરોની દિવાલ પર બહારથી માટી અને અંદરથી કોંક્રિટ લગાવવામાં આવશે. ગત ૧૦ માર્ચથી અહીં નિર્માણ કાર્ય શરુ કરવામાં આવ્યું છે. ખેડૂત નેતા મંજીત રાયે જણાવ્યું કે ગરમીને ધ્યાનમાં રાખીને ખેડૂતો દ્વારા આ પાક્કા મકાનનું નિર્માણ કાર્ય શરુ કરાયું છે. તડકા અવને ગરમીથી બચવા માટે મકાનો બની રહ્યા છે. પંજાબના લોકોના વારસાગત લક્ષણો છે કે તેઓ સારુ ખાય છે, સારુ પહેરે છે અને સારી રીતે રહે છે. જેથી તેઓ હવે પાક્કા મકાન બનાવી રહ્યા છે વને તેની અંદર એસી પણ લગાવવામાં આવશે. જેની અંદર વૃદ્ધ ખેડૂતો અને મહિલાઓ રહેશે.

મંજીત રાયે જણાવ્યું કે ગઇકાલે કુંડલી પોલીસ સ્ટેશનના એસએચઓ આવ્યા હતા, જેમણે કામ બંધ કરાવ્યું છે. પરંતુ મે લોકો આ કામ બંધ નહીં કરીએ. અહીં પાક્કા મકાન બનશે અને અમે તેમાં ત્યાં સુધી રહીશું જ્યાં સુધી સરકાર અમારી માંગને સ્વીકારશે નહીં. તેના માટે ૨૦૨૪ સુધી રહેવું પડે તો પણ અમે તૈયાર છીએ.

ખેડૂતોને લાગે છે કે સરકાર તેમની માંગોમનો સ્વીકાર નહીં કરે અને આંદોલન લાંબો સમય ચાલશે, જેના કારણે તેઓ પાક્કા મકાન બનાવી રહ્યા છે. આ સંયુક્ત કિસાન મોર્ચાનું કામ નથી, પરંતું કેટલાક ખેડૂતો પોતાના સ્તર પર મકાનો બનાવી રહ્યા છે. આ સિવાય ગરમી સામે બચવા માટે પંખા, કૂલર, એસી અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.