આણંદ : ખંભાત તાલુકાના ભુવેલ ખાતે આવેલ બંને આંગણવાડી સમગ્ર રીતે જર્જરિત હાલતમાં ફેરવાઈ ગઈ છે. છતમાંથી પાણી પડતાં આંગણવાડીમાં પાણી ભરાય છે. જેને કારણે બાળકો સહિત આંગણવાડી બહેનોને કોઈ પણ પ્રકારની શૈક્ષણિક પ્રવૃત્તિ કરી શકતા નથી. છેલ્લા બે વર્ષ વર્ષથી જર્જરિત આંગણવાડીમાં જોખમી પનોતીનું રાજ સ્થપાયું છે. જોખમી પનોતી રાજથી સુરક્ષિત રહેવા હાલ આંગણવાડીના બહેનોને દરબદર 'ભાડાના ઘરો'માં સ્વખર્ચે આર્ત્મનિભર બનવા ન છૂટકે મજબુર થવું પડ્યું છે. જેને કારણે બાળકોને પણ રઝળપાટ કરવો પડે છે. જોકે આંગણવાડીનું મકાન નવું બને તે સંદર્ભે વારંવાર રજુઆત બાદ પણ તંત્ર નિદ્રામાં મસ્ત હોવાનું ચર્ચાય રહ્યું છે. હાલ એક વર્ષ બાદ પણ આંગણવાડી રીપેરીંગ માટેની ગ્રાન્ટ મંજૂર થઇ ગયાના આશ્વાસન આપતા તંત્ર દ્વારા લેસમાત્ર પણ કામગીરી ન કરતાં ગ્રામજનોમાં પણ રોષ ભભૂકી ઊઠ્‌યો છે. 

ખંભાત તાલુકાના ભુવેલ આંગણવાડી છેલ્લા ૧ વર્ષથી જર્જરિત થઇ ગયેથી છતના ગાબડા પડુંપડું થઇ રહ્યાં છે. ચોમાસામાં આંગણવાડીમાં પાણી ભરાઈ જાય છે. આંગણવાડી બહેનો દ્વારા ગ્રામસભાની મીટીંગમાં તેમજ સુપરવાઇઝરને પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે ત્યારે માત્ર છેલ્લાં ૧ વર્ષથી ગ્રાન્ટ મંજૂર થઈ ગયાની વાતો ગુંજી રહી છે. હાલ આંગણવાડીમાં ભણતાં ૦ થી ૬ વર્ષના માસુમોની ઉપર-નીચે, ચારેબાજુ સંકટ ભમી રહ્યું છે. વરસાદી માહોલમાં જીવને જોખમ ઊભું થાય તેવી ભીતિ સર્જાઈ રહી છે. આવી કપરી પરિસ્થિતિએ લાચાર બનેલ વાલીઓ સહિત ગ્રામજનોએ આ બાબતે નિવારણ લાવવા માંગણી કરી છે.

સ્વખર્ચે ‘ભાડાના મકાન' પર આર્ત્મનિભર થવું પડે છે!

ભુવેલ ગામમાં બે જર્જરિત આંગણવાડી આવેલી છે. જેમાં ૧૧૦ જેટલા બાળકોની સંખ્યાનો સમાવેશ થાય છે. બંને જર્જરિત આંગણવાડીમાં ભમતા જોખમી પનોતી રાજથી પોતાના અને બાળકોના જીવને સુરક્ષિત રાખવા સ્વ ખર્ચે 'ભાડાના મકાન' માં રહેવું પડે છે. નોંધનીય છે કે, આંગણવાડી બહેનોને ભાડું પણ ન ચૂકવાતા અંતે મકાન માલિકો ભાડા પેટે આપેલા મકાનો ખાલી કરાવે છે. ત્યારબાદ દરબદર ભાડાના મકાનો બદલવા પડતા હોય છે. ભાડાના પ્રશ્નને લઈને કોઈ મકાન આપવા તૈયાર નથી. બાળકો સાથે આંગણવાડીના બહેનોને રઝળપાટ કરવો પડે છે. ન છૂટકે બહેનો ઘરના પૈસે ભાડું ભરવું પડી રહ્યું છે.

• ધર્મેન્દ્રસિંહ પરમાર, ઉપસરપંચ, ભુવેલ