મુંબઈ-

થોડા દિવસો પહેલા સેન્સેક્સે 50,000 પર પહોંચી જઈને નવો રેકોર્ડ કર્યો હતો. પરંતુ ગયા અઠવાડિયે સેન્સેક્સની પીછેહઠ જોવાઈ છે. એક જ અઠવાડિયામાં સેન્સેક્સ 3,000 પોઈન્ટ સુધી તૂટી ગયો છે. કેટલાંક નિષ્ણાતો હવે બજારમાં સુધારાની આગાહી કરીને બેઠા છે ત્યારે કેટલાંક સવાલો રોકાણકારો પૂછી રહ્યા છે, જેવા કે-

શું અહીંથી બજાર તૂટશે, હાલના પોર્ટફોલિયોમાં કોઈ ફેરફાર કરવો જોઈએ, ડિસેમ્બરમાં મેં નફારૂપી વેચવાલી કરી હતી તો ફરીથી રૂપિયા રોકવા જોઈએ, આ પ્રકારના બજારમાં હું ટેક્સબચત કેવી રીતે કરી શકું, મારે મારો એક્વીટી પોર્ટફોલિયો બદલવો જોઈએ, વગેરે.

દિવસના અંત સુધીમાં બજાર કેવું રહેશે એ કહેવું તો મુશ્કેલ હોય છે, અને ક્રેશ બજાર માટે કંઈ કહેવું તો વધારે મુશ્કેલ છે. છતાં હાલમાં જે આંકડા મળી રહ્યા છે, એ જોતાં નજીકના ભવિષ્યમાં મોટો કડાકો આવે એવું લાગતું નથી. બજારની સાથે કેટલાક ભયસ્થાનો સતત હોય જ છે, જેમાં રાજકીય ઘટના, મોંઘવારી, મહામારી કે પછી એકાએક આવી પડનારા સંકટો વિશે કંઈ ન કહેવાય.

જે રોકાણકારોએ ડિસેમ્બરમાં નફારૂપી વેચવાલી કરી હોય તેમને ખબર જ છે કે, ત્યારબાદ બજાર કેવી રીતે દોડ્યું છે. બજાર વિશે ક્યારેક તમે અનુમાન લગાવી તો શકો પણ કાયમ એમ કરવું સંભવ નથી. બહેતર છે કે, તમે બજારમાં લાંબા સમયનું આયોજન કરો અને એ જૂઓ કે, ત્રણ થી પાંચ વર્ષમાં અર્થતંત્રનું ચિત્ર તમને કેવું લાગે છે. જો તમને લાગતું હોય કે અર્થતંત્ર મજબૂત રહેશે તો, કડાકાની રાહ જૂઓ અને રોકાણ કરતા રહો. જો એમ લાગે કે, અર્થતંત્ર બદતર થશે, તો રોકાણમાંથી નીકળી જાવ.