૧૫ ડિસેમ્બરે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ વખતની આ મુલાકાત ખાસ છે. ખાસ કેમ છે જાણો છો? આ વખતની પીએમની ગુજરાત મુલાકાતથી પાકિસ્તાનને પેટમાં દુઃખવાનું છે!  પાકિસ્તાનને કેમ પેટમાં દુઃખશે? વેલ, આ વખત પીએમ ગુજરાતની મુલાકાત વખતે કચ્છ સ્થિત પાકિસ્તાનની બોર્ડર પર કંઈક કરવા જઈ રહ્યાં છે! આ વખતે પીએમ વિશ્વના સૌથી મોટા રિન્યૂએબલ એનર્જી પાર્કની આધારશીલા મૂકવાના છે. સાથે સાથે ડિસેલિનેશન પ્લાન્ટની આધારશીલા પણ મૂકવાના છે.


આ બંને પ્લાન્ટની આધારશીલા મોદી ક્યા સ્થળે મૂકવાના છે?

વેલ, બંને મહા પ્રોજેક્ટ કચ્છમાં આકાર લઈ રહ્યાં છે. ડિસેલિનેશન પ્લાન્ટ તો સમજ્યાં કોઈ નવી વાત નથી, પણ પીએમ વિશ્વના સૌથી મોટા રિન્યૂએબલ એનર્જી પાર્કની આધારશીલા મૂકવાના છે તેની માહિતી ઇન્ટરેસ્ટિંગ છે. ઇન્ટરેસ્ટિંગ કઈ રીતે છે જાણો છો? એક તો વિશ્વનો સૌથી વિશાળ પ્રોજેક્ટ બનવાનો છે અને તે પણ પાકિસ્તાનની બોર્ડરને અડીને!


પહેલાં એ જાણીએ કે, કેવો હશે આ વિશ્વનો સૌથી વિશાળ રિન્યૂએબલ એનર્જી પાર્ક?


ગુજરાત સરકારે આ હાઇબ્રિડ એનર્જી પાર્ક માટે ગત સપ્ટેમ્બરમાં જ લીલીઝંડી આપી દીધી હતી. સરકારને આ પાર્ક દ્વારા ૧.૩૫ લાખ કરોડના રોકાણની આશા છે. આવતાં બે વર્ષમાં આ પાર્કને તૈયાર કરી દેવાનો છે. આ પાર્ક કચ્છ જિલ્લામાં પાકિસ્તાનની બોર્ડને અડીને આવેલી બંજર જમીન પર બનાવવામાં આવી રહ્યો છે.

આ પાર્કમાં સોલાર અને વિન્ડ એનર્જી પ્રોજેક્ટ માટે વિવિધ કંપનીઓને અગાઉથી જ જમીન અલોટ કરી દેવામાં આવી છે.ભારત સરકારે ૨૦૨૨ સુધી ૧૭૫ ગીગાવોટ રિન્યૂએબલ એનર્જી ક્ષમતા મેળવવાનો પ્લાન બનાવ્યો છે. આ અંતર્ગત ૭૨ કિમી ઉત્તર કચ્છના ખાવડામાં ૧ લાખ હેક્ટર બંજર જમીનની ઓળખ કરવામાં આવી હતી. એપ્રિલ, ૨૦૨૦માં રક્ષા મંત્રાલયે સુરક્ષાની જરૂરતોને ધ્યાનમાં રાખીને ૭૨,૬૦૦ હેક્ટર જમીન પર પાર્ક બનાવવાની મંજૂરી આપી દીધી હતી.


આ પાર્ક બે ભાગમાં હશે 

૪૯,૬૦૦ હેક્ટર વાળા પહેલાં ભાગમાં ૨૪,૮૦૦ મેગાવોટ ક્ષમતાના વિન્ડ અને સોલાર પ્લાન્ટ લગાડવામાં આવશે. ૨૩,૦૦૦ હેક્ટરના બીજા ભાગમાં ફક્ત વિન્ડ પાર્ક બનાવવામાં આવશે. પ્રોજેક્ટનું લોકેશન ખાવડા અને વિધિકોટ ગામની વચ્ચે છે.


તો શું આ પાર્ક પાકિસ્તાનને પેટમાં દુઃખે એટલો બોર્ડરની નજીક છે?

પ્રોજેક્ટ સાઇટ ખાવડાથી લગભગ ૨૫ કિમી બોર્ડર તરફ છે, જે છેલ્લો પોઇન્ટ કહેવાય છે. આ એવી છેલ્લી જગ્યા છે જ્યાં લોકો આસાનીથી પહોંચી શકે છે. અને મજાની વાત તો એ છે કે, વિન્ડ પાર્ક પાકિસ્તાનની બોર્ડરથી ભારત તરફ ૧થી ૬૦ કિમીમાં જ બિછાવવામાં આવશે! આ વિસ્તારમાં બીએસએફના જવાનો પહેલાંથી જ તહેનાત છે.


આખું ભારત છોડીને કચ્છમાં પાકિસ્તાનની બોર્ડર પર આ પ્રોજેક્ટ કેમ બિછાવવામાં આવી રહ્યો છે?



ગુજરાત સરકારના એનર્જી અને પેટ્રોકેમિકલ ડિપાર્ટમેન્ટના એડિશનલ જનરલ સેક્રેટરી સુનૈના તોમરે જણાવ્યું હતું કે, આ જગ્યા બંજર હોવાથી તેની પસંદગી કરવામાં આવી છે. બીજી મહત્ત્વની વાત, જાે તમે બોર્ડર નજીક પવનચક્કી લગાવો તો આ પવનચક્કી પણ બોર્ડરના રૂપમાં કામ કરે છે. તમારી બોર્ડર વધુ મજબૂત બની જાય છે.


હવે સૌથી મહત્ત્વનો સવાલ - આ પાર્કમાં વિન્ડ અને સોલાર કોણ લગાવશે?

ગુજરાત સરકારે અગાઉ જ એપ્લિકેશન મગાવી હતી. છ કંપનીઓને અહીં જગ્યા ફાળવવામાં આવી છે. હાઇબ્રિડ પાર્ક ઝોન માટે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડને ૧૯,૦૦૦ હેક્ટર, સર્જન રિયલટિઝ લિમિટેડને ૯,૫૦૦ હેક્ટર, એનટીપીસી લિમિટેડને ૯,૫૦૦ હેક્ટર, ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશનને ૬૬૫૦ હેક્ટર અને ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડને ૪૭૫૦ હેક્ટર જમીન આપવામાં આવી છે. આગામી ત્રણ વર્ષમાં પસંદ કરાયેલાં ડેવલપર્સે દ્વારા ૫૦ ટકા કામ પૂરું કરવાની શરત છે. આખો પ્રોજેક્ટ પાંચ વર્ષમાં કાર્યરત થઈ જશે.


જ્યાં સુરક્ષાદળો મોજૂદ છે ત્યાં કન્સ્ટ્રક્શનની કામગીરી કેવી રીતે થશે?

રાજ્ય સરકારનું કહેવું છે કે, રાજ્ય લોકનિર્માણ વિભાગ દ્વારા ૧૮ કિમીની સડક બનાવવામાં આવી છે. આ સડક ઇન્ડિયા બ્રિજને બાયપાસ કરીને પ્રોજેક્ટ સાઇટ સુધી જશે. આ ઉપરાંત હાલમાં ત્યાં આવેલી ઇન્ડિયા બ્રિજથી વિધકોટ સુધીની સડકને વધુ મજબૂત અને પહોળી કરવામાં આવી રહી છે.