અમદાવાદ-

રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આજે પ્રચારનો અંતીમ દિવસ છે અને 21મીએ મતદાન હાથ ધરાવાનું છે ત્યારે અમદાવાદ મતવિસ્તારમાંથી પોતાનું મતદાન કરવા માટે ગૃહપ્રધાન અમિત શાહ શહેરમાં આવશે એવી અટકળો બંધાઈ રહી છે. ગૃહપ્રધાન અમિત શાહનો કાર્યક્રમ જોતાં એવું લાગે છે કે, તેઓ પહેલા પોતાનું મતદાન પતાવી શકે અને પછી મોટેરા સ્ટેડિયમમાં મેચ જોવા જાય. 

મહાનગરપાલિકાઓની ચૂંટણીપ્રચારના અંતિમ દિવસે તમામ પક્ષના ઉમેદવારો પોતાની તમામ તાકાત લગાડી દેશે. ઉપરાંત ઘરે ઘરે જઈને સંપર્ક અભિયાન પણ ચલાવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીપ્રક્રિયામાં  દેશના ગૃહપ્રધાન અમિત શાહ પણ જોડાશે. ગૃહપ્રધાન શાહનો અમદાવાદના નારણપુરા વોર્ડમાં મતવિસ્તાર હોવાને પગલે તેઓ પોતે ત્યાં આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે એમ મનાય છે. ત્યારબાદ તેઓ મોટેરા ખાતે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટમેચ જોવા માટે જશે એમ મનાય છે. 800 કરોડથી વધારે રોકાણથી બનેલા આ સ્ટેડિયમનું 24મીએ રાષ્ટ્રપતિ અને ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે.