આણંદ : ચરોતરની ધરતી જેટલી ફળદ્રુપ છે તેનાંથી વધારે ચરોતરના ધરતીપૂત્રોની મહેનત અને બુદ્ધિથી પાક લેવાની આવડત વધારે ફળદ્રૂપ કહેવાય છે. એકબાજુ પંજાબ-હરિયાણા ખેડૂતો સરકારના કૃષિ કાનૂન સામે વિરોધ કરી રહ્યાં છે ત્યારે જાેગાનુજાેગ ચરોતરના એક ધરતીપૂત્રએ પંજાબના ઘઉંનો પાક ગુજરાતની ધરતી પર લઈને પોતાના નામે રેકર્ડ નોંધાવી દીધો છે! 

વાત કંઈક એમ બની છે કે, આણંદના સોજિત્રા તાલુકાના પલોલ ગામના ખેડૂતે નવતર પ્રયોગ કરીનેે પંજાબની ફળદ્રૂપ ભૂમિ પર ઉગતાંકાળ ઘઉંની વાવણી પોતાના ખેતરમાં કરી હતી. હાલ આ પ્રયોગમાં તેઓ સફળ રહ્યાં છે. નવાઈની વાત તો એ છે કે, ગુજરાતમાં આ સ્વાસ્થ્યવર્ધક ગણાતાં કાળા ઘઉંની ખેતી કરવાનો આ પહેલો પ્રયોગ સફળ રહ્યો છે. તેઓએ ગુજરાતના ખેડૂતોને એક નવી દિશા ચીંધી છે. સોજિત્રા તાલુકાના પલોલ ગામના ખેડૂત અમિતભાઇ પટેલે ખેડૂતોને નવી ટેક્‌નોલોજી થકી કાળા ઘઉંનું ઉત્પાદન કરીને નવી દિશા ચીંધી છે. આ ખેડૂતે આત્મા અને આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ ચીલાચાલુ ખેતીની જગ્યાએ નવી ખેતી અપનાવી છે. આણંદ કૃષિ યુનિ.ની અમિતભાઈ પટેલ વારંવાર મુલાકાત લેતાં હતાં. ગત વર્ષે એક વીઘામાં કાળા ઘઉંની ખેતી કરી હતી, જેમાં અંદાજિત ૪૦ મણ ઘઉંનો ઊતારો મળ્યો હતો. સામાન્ય ઘઉં કરતાં પાંચ ગણી આવક થતાં આ વર્ષે પાંચ વીઘામાં કાળા ઘઉં વાવ્યાં છે.

કાળા ઘઉંનો ઈતિહાસ જાણો છે? નહીં? અહીં જાણી લો

૧૯૫૦ પહેલાં વાવેતર થતું હતું એવાં પર્પલ ઘઉં અને શ્રીશ્રી રવિશંકર મહારાજના સીડ્‌સમાંથી મેળવેલાં ઘઉંની પુનઃ ખેતી શરૂ કરી છે. આ ઘઉં મેથીના દાણાં જેવા નાના હોય છે. આછા ફિક્કા કલરમાં થાય છે. તેનું પણ વાવેતર કરીને નવો પ્રયોગ હાથ ધર્યો છે. તેઓએ ખેતીમાં નવી ટેક્‌નિક અપનાવીને વધુ આવક મેળવવાનો પ્રયાસ કર્યો છે. કાળા ઘઉંમાં ચીકાસની ગુણવત્તા ઓછી હોય છે, જેથી રોટલી રતુમડી કલરની થાય છે. કાળા ઘઉંમાં ગ્લુટેઇનનું પ્રમાણ ઓછું હોવાથી થાઇરોડની સમસ્યા અને આંતરડાની બીમારી ધરાવતાં લોકો માટે ફાયદાકારક છે. આવાં ઘઉંની કિંમત મોલમાં એક કિલોના રૂ.૨૦૦થી ૨૫૦ હોય છે.

કાળા ઘઉં સ્વાસ્થ્ય માટે કેમ સારાં? અહીં સમજાે

કાળા ઘઉં ઓછા પ્રચલિત છે. આ વર્ષે કાળા ઘઉંનું બિયારણ ૧૦૦ રૂપિયે કિલો મળે છે. આ ઘઉંમાં ઝીંક આર્યન, લોહતત્વ, જસત વગેરેના ગુણતત્વો સામાન્ય ઘઉં કરતાં સારાં છે. આ ઘઉંમાં પ્રોટીનનું પ્રમાણ ૧૮થી ૨૦ ટકા હોય છે, જ્યારે સાદા ઘઉંમાં ૧૧થી ૧૨ ટકા પ્રોટીનનું પ્રમાણ હોય છે. લોહતત્વનું પ્રમાણ ૪૦થી ૪૫ ટકા હોવાનું તેઓએ જણાવ્યું છે.