પરેશ પંડ્યા / વડોદરા : વડોદરા મહાનગર પાલિકા દ્વારા કોરોનાની મહામારીમાં વોર્ડ -૮ ની કચેરી દ્વારા રેડ ઝોનમાં આવતા નાગરવાડા અને અન્ય વિસ્તારોને સીલ કરવાને માટે મોટા પ્રમાણમાં પતરાઓની ખરીદી કરવાની હતી. આને માટે પાલિકાની સબંધિત વોર્ડ કચેરી દ્વારા સતાવાર ઇજારદારનો કોઈપણ પ્રકારનો સંપર્ક કર્યા વિના સીધે સીધો વેપારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમજ વેપારી સાથે સાઠગાંઠ રચીને બજાર કરતા બમણા ભાવે પતરાની ખરીદી કરી દેવાઈ હતી. જેના બીલો સબંધિત વોર્ડ કચેરીમાં મુકવામાં આવતા સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. આ બાબતે ભારે ઉહાપોહ મચતા સ્થાયી સમિતિ દ્વારા પતરાની ખરીદીનું બિલ જ્યાં સુધી એનો કોઈપણ પ્રકારનો નિકાલ ન આવે ત્યાં સુધી ચૂકવવું નહિ એવો ર્નિણય કરાયો હતો. પરંતુ આ કૌભાંડને લઈને પાલિકાના શાસકો દ્વારા કલમ ૬૭(૩)સી હેઠળ મોટા પાયે ચાલી રહેલા કૌભાંડો ઉજાગર થયા હતા. ત્યારબાદ એના પર ઢાકપીછોડો કરવાના અનેક પ્રયાશ કરાયા હતા. પરંતુ આરટીઆઈ એક્ટિવિસ્ટો અને શાસક પક્ષ ઉપરાંત વિપક્ષો દ્વારા સમગ્ર કૌભાંડને લઈને પ્રશ્નો ઉપસ્થિત કરતા અંદાજે સવા કરોડ ઉપરાંતના કૌભાંડમાં પાછલા દરવાજે ભીનું સંકેલી લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ એમાં કોઈપણ પ્રકારની સફળતા મળી નહિ.અંતે આ મામલે બીલો અટકાવી દેવાની ફરજ પડી હતી. 

પાલિકાના ઇજારદારના ૧૭ ટકા નીચા ભાવો છતાં ૯૭ ટકા વધુ ભાવે ખરીદી કરાઈ?

કોરોના દરમિયાન પાલિકાના સત્તાવાર ઇજારદારના ભાવો ૧૭ ટકા જેટલા નીચા હતા. તેમ છતાં એની જાણ બહાર ૯૭ ટકા વધુ ભાવો આપીને પતરાની ખરીદી કરવામાં આવી હતી. આને માટે અધિકારીઓ અને નેતાઓના માનીતા અને જાણીતા દુકાનદારને કોરોનાના લોકડાઉન દરમ્યાન દુકાન ખોલાવડાવીને પતરાની ખરીદી કરાઈ હતી. જેને લઈને બમણા જેટલા ઉંચા ભાવની ખરીદી પાછળ એવું બહાનું રજુ કરવામાં આવ્યું હતું કે, લોકડાઉનમાં આખા બજારો બંધ હતા .ત્યારે આ એકમાત્ર વેપારીએ દુકાન ખોલીને પતરા સપ્લાય કાર્ય હતા. જેને લઈને જે ભાવે મળ્યા એ ભાવે ખરીદી કરાઈ હતી. આ પતરાની ખરીદી પાલિકાનો ઇજાફો ધરાવનારના ૧૭ ટકા નીચા ભાવ કરતા ૯૭ ટકા વધુ ભાવ ચૂકવીને કરાઈ હતી. આમ આ વેપારીએ પતરાના વેચાણમાં કોરોનાના સમયનો લાભ ઉઠાવીને કાળા બજાર કર્યા હોઈ એની અને ખરીદી કરનાર અધિકારી સામે ફરિયાદની ચર્ચા ઉઠી છે.

ભ્રષ્ટાચાર માટે પતરાને ફિટ કરવા લાકડાના ટેકાને બદલે લોખંડની એંગલો વપરાઈ

કોરોનાના કપરા કાળમાં રેડ ઝોનમાં વિસ્તારો સીલ કરવાને માટે પતરા ફિટ કરવામાં આવ્યા હતા. આ પતરાની ખરીદીમાં તો મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરાયો હતો. પરંતુ એના ફિટિંગમાં પણ ભ્રષ્ટાચાર કર્યાનું ચર્ચાય છે. વોર્ડ -૮ ની કચેરીના અધિકારીઓ દ્વારા પતરા લાકડાના ટેકાઓ પર ઝડપથી ફિટ થઇ જાય છે. ઉપરાંત એ ટેકા સસ્તા પણ ઘણા પડે છે. તેમ છતાં માત્રને માત્ર ભ્રષ્ટાચાર કરવાને લઈને લાકડાના ટેકાઓ પર ફિટ કરવાને બદલે લોખંડની એંગલો પર ફિટ કરાયા હતા.

નિયમિત કરતાં ૬૭(૩)સીના વધતા કામો ભ્રષ્ટાચારના સાગરસમા

પાલિકાના શાસકો દ્વારા અને ઇજારદારો તથા અધિકારીઓની સાંઠગાંઠને લઈને આકસ્મિક સંજોગોમાં તાકીદના કાર્યો કરાવવાને માટે કલમ ૬૭(૩)સી હેઠળ કામો કરાવવામાં આવે છે. પરંતુ આ કામોને લઈને ભ્રષ્ટાચારનો એક મોટો રસ્તો ખુલી ગયો છે. જે તમામને માટે સોનાના ઈંડા મુક્તિ મરઘી સમાન સાબિત થઇ રહ્યો છે. આ કલમ હેઠળ કરાતા કામોમાં ઇજારદારને કામ કરવાને માટે કોઈ ડિપોઝીટ કે ગેરંટી -વોરંટી આપવાની જરૂરત પડતી નથી. આ ઉપરાંત ઇજારદાર જે બિલ મૂકે એનું કોઈ ઓડિટ કરવાનો પ્રશ્ન ઉભો થતો નથી.જેને લઈને મોટી રકમના બીલો લઈને આ કલમ હેઠળ મંજુર કરીને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવાની એક નવી પ્રથા પડી ગઈ છે. જે કાર્યો નિયમિત કાર્યો કરતા પણ મોટી રકમના ગયાહની વખત હોય છે.

નવાં પતરાંને જૂના થઇ ગયેલા બતાવવા એના પર એસિડ રેડાયું

પાલિકાની વોર્ડ-૮ ની ઇકચેરીના અધિકારીઓ અને અન્યોએ એકસંપ થઈને આચરેલા પતરા કાંડમાં પતરાની ખરીદીથી લઈને એને સ્ક્રેપ કરવા સુધી કૌભાંડો આચરવામાં આવ્યા હતા. આ નવા લગાવેલા પતરા કાઢી લીધા પછીથી એનો મોટા પ્રમાણમાં વપરાશ થયો છે. અને હવે પુનઃ ઉપયોગમાં આવે એવી સ્થિતિમાં નથી.એવું દર્શાવવાને માટે એના પર એસિડ રેડીને કટાયેલા પતરા તરીકે દર્શાવવાનો પણ પ્રયત્ન થયો હતો. જેથી એ નવા પતરા માણિતાઓને પાણીના મુલ્યે ભંગારના ભાવે વેચી શકાય. પરંતુ આરટીઆઈ એક્ટિવિસ્ટ અતુલ ગામેચી દ્વારા એનો પણ પરદાફાશ કરવામાં આવ્યો હતો.

પતરાંકાંડ મુદ્દે અવાજ ઉઠાવનારાઓની બોલતી બંધ કરવાનો પ્રયાસ

પાલિકાના ચકચારી પતરાકાંડ મુદ્દે વોર્ડના અધિકારીઓ ઉપરાંત મોટા માથાના નેતાઓ પણ એમાં સંડોવાયેલા છે. ત્યારે આ સમગ્ર કૌભાંડ પર પડદો પાડી દેવાને માટે .તેમજ અવાજ ઉઠાવનારાઓની બોલતી બંધ કરી દેવાને માટે શાસકો દ્વારા શામ, દામ,દંડ, ભેદની નીતિ અપનાવવામાં આવી રહી છે. આ સંજોગોમાં એની સામે અવાજ ઉઠાવનારાઓ સામે સત્તાના જોરે કાયદાનું શસ્ત્ર ઉગામીને ફસાવી દેવાની ધાક ધમકીઓ આપવામાં આવી રહી હોવાનું પાલિકાના અંતરંગ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.