ચંડીગઢ-

પંજાબના જાલંઘર જિલ્લામાં એક સનસનીખેજ ઘટના ઘટી છે. જલંધર શહેરના બસ્તી શેખ વિસ્તારમાં આવતી એક બજારમાં એક વિદ્યાર્થીએ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. મળતી માહિતી મુજબ તેણે પોતાના પિતાની જ ગનથી ગોળી મારી લીધી હતી. મૃતકની ઓળખ મંથન શર્મા તરીકે થઈ છે. તેના પિતા નું નામ ચંદ્રશેખર શર્મા છે.

મંથન ગ્રેજ્યુએશન કરી રહ્યો હતો અને પબજીના રવાડે ચડી ગયો હતો. મૃતક યુવાનના પિતા દવાના વેપારી છે અને સંઘના કાર્યકર્તા છે. ઘટનાની જાણ થતા પોલીસ શર્મા પરિવારના નિવાસસ્થાને પહોંચી ગઈ છે.મંથન શર્માના પિતાએ જણાવ્યું કે તેણે તેમની લાયસન્સ રિવોલ્લવરથી ગોળી મારી આત્મહત્યા કરી લીધી છે. તેમણે જણાવ્યું કે દીકરાનો જીવ ચાઇનીઝ એપ અને બાળકોને ઉંઘા રવાડે ચડાવનાર ગેમે લીધી છે. મંથન બીબીએનો અભ્યાસ કરી રહ્યો હતો. તે કાયમ પબજી રમ્યા કરતો હતો. પિતાએ ટોક્યો તો તેણે આત્મહત્યા કરી લીધી. 

મંથને આત્મહત્યા કરતાં પહેલા એક સુસાઇડ નોટ લખી છે. એક કાળમાં તેણે ચાર શબ્દો લખ્યા, 'મેં બહુત બુરા હું', પોલીસે મંથન શર્માના મૃતદેહના પોસ્ટમોર્ટમની વિધિ આરંભી અને કેસ ફાઇલ કર્યો છે. પ્રાથમિક તપાસમાં યુવકે પબજી ગેમ ન રમવા માટે ટોકવા બદલ આત્મહત્યા કરી લીધી છે.