અમદાવાદ નવા વર્ષના પહેલાં જ દિવસે કોરોનાના સંક્રમિત કેસનો આંકડો એક હજારને પાર થઇ ગયો છે.તેમાંય અમદાવાદમાં એક જ દિવસમાં નવા કેસની સંખ્યા ૫૫૯ પર પહોંચતા રીતસરનો કોરોના બોંબનો વિસ્ફોટ થયો છે. જ્યારે એમિક્રોનના પણ એક જ દિવસમાં ૨૩ કેસ નોંધાયા છે. ઓમિક્રોન અને કોરોનાના અડધાઅડધ કેસ અમદાવાદમાં જ નોધાતા હવે અમદાવાદ કોરોનાના સંક્રમણનું કેન્દ્ર બની ગયું હોય તેમ લાગે છે. છેલ્લા સાડા ૬ મહિના બાદ પહેલીવાર ૧૦૦૦થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૦૬૯ નવા કેસ નોંધાયા છે. આજે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ ૫૫૯ નવા કેસ નોંધાયા છે. જ્યારે નવસારીમાં કોરોનાના કારણે એકનું મોત નોંધાયું છે. જાેકે નવ જિલ્લામાં આજે કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.બીજીતરફ આજે રાજ્યમાં ઓમિક્રોનના ૨૩ નવા કેસ નોંધાયા છે. ઓમિક્રોનના અત્યાર સુધીમાં કુલ ૧૩૬ કેસમાંથી ૬૫ દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૮ લાખ ૩૨ હજાર ૮૦૧ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક ૧૦ હજાર ૧૧૯ છે. તેમજ અત્યાર સુધીમાં ૮ લાખ ૧૮ હજાર ૭૫૫ દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૩૯૨૭ એક્ટિવ કેસ છે, જેમાંથી ૧૧ દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે ૩૯૧૬ દર્દીની હાલત સ્થિર છે. આજે નવસારીમાં કોરોનાથી એકનું મોત નિપજ્યું છે. અગાઉ ૩૦ ડિસેમ્બરે રાજ્યમાં ૨ લોકોના મોત નોઁધાયા હતા. એ પહેલાં ૨૯ ડિસેમ્બરે પોરબંદર જિલ્લામાં એક દર્દીનું મોત થયું હતું. અગાઉ રાજ્યમાં સતત છ દિવસથી કોરોનાથી મોત નોંધાયા હતા. જાેકે ૨૬ ડિસેમ્બરે શૂન્ય મોત રહ્યું હતું. પરંતુ ૨૭ ડિસેમ્બરે જામનગર શહેરમાં એકનું મોત થયું છે. ૨૫ ડિસેમ્બરે રાજકોટ જિલ્લામાં કોરોનાથી ૨ દર્દીના મોત થયાં હતાં. અગાઉ ૧૦મી ડિસેમ્બરે રાજ્યમાં ૩ દર્દીનાં મોત નોઁધાયા હતા. ૨૦ સપ્ટેમ્બરે પહેલી અને બીજી લહેરના સૌથી ઓછા ૮ કેસ નોંધાયા હતા. રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં કોરોનાથી કુલ ૭ અને નવેમ્બરમાં ૫ દર્દીના મોત નોંધાયા હતા. જ્યારે ડિસેમ્બરમાં અગાઉ રાજ્યમાં ૧૬ સપ્ટેમ્બર સુધી સતત ૫૦ દિવસ સુધી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા ન હતા. કોરોનાની સાથે ઓમિક્રોનના કેસ પણ ધીરે-ધીરે વધી રહ્યા છે. આજે ગુજરાતમાં ઓમિક્રોનના ૨૩ નવા કેસ નોંધાયા છે. આજે અમદાવાદમાં સૌથી વધુ ૧૧ કેસ નોંધાયા છે. ત્યારબાદ સુરતમાં ૪, આણંદમાં ૨, વડોદરા શહેરમાં ૨, કચ્છમાં ૨, ખેડામાં ૧, રાજકોટમાં ૧ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૩૬ કેસમાંથી ૬૫ ઓમિક્રોન દર્દી ડિસ્ચાર્જ થઈને ઘરે પરત ફર્યા છે.

શહેરમાં ૧૧ નવા માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન ઉમેરાયા

શહેરમાં આજે નવા ઉમેરાયેલા માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ૧૧ સોસાયટીઓમાં ૩૬૮ જેટલા લોકોને મૂકવામાં આવ્યા છે. જેમાં ઘાટલોડિયાના શિવગંગા એપાર્ટમેન્ટમાં ૨૧ મકાનમાં ૩૯ વ્યક્તિ, જ્યારે બોડકદેવના રુદ્ર સ્ક્વેરમાં ૨૦ મકાનમાં ૬૧ લોકોને માઈકો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મૂકાયા છે. આ ઉપરાંત ગુરુકુળની વિશ્વ રેસીડેન્સી, નિકોલના પુષ્પક બંગ્લોમાં ૧૨-૧૨ અને જગતપુરના બેલ્વેડેર ગોદરોજ ગાર્ડન સિટીમાં ૯ મકાનોને માઈકો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા છે.

કોરોનાની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક મળી

ગાંધીનગર ખાતે આજે મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં ટેસ્ટિંગની કામગીરી વધુ વ્યાપક બનાવવા માટે સૂચના આપી હતી. આ કામગીરી માટે જરૂર જણાયે ખાસ ડોમ પણ ઉભા કરીને વધુને વધુ ટેસ્ટિંગ ઉપર ભાર મૂકયો હતો. બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ટેસ્ટિંગની સાથોસાથ કોન્ટેકટ ટ્રેસિંગને પણ સઘન બનાવવા માટે સૂચના આપવામાં આવી હતી. તેમજ રાજ્યના મહાનગરોમાં લોકોને પોતાની નજીકના સ્થળે પ્રાથમિક સારવાર, ટેસ્ટિંગ વગેરે સુવિધા મળી રહે તે હેતુસર ધનવંતરી રથ અને સંજીવની રથની સંખ્યા પણ વધારવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ બેઠકમાં આગામી તા. ત્રીજી જાન્યુઆરીથી રાજ્યના ૧પ થી ૧૮ વર્ષની વયજૂથના બાળકોના રસીકરણની ઝુંબેશ અંગે પણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી. આ સંદર્ભમાં આરોગ્યના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં ૮.૯૪ કરોડ કોરોના રસીના ડોઝ આપીને કુલ વસ્તીના ૯૦ ટકા વ્યક્તિઓનું રસીકરણ પૂર્ણ કરી દેવાયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના આરોગ્ય વિભાગ પાસે જરૂરી દવાઓ, ટેસ્ટિંગ કિટ અને માસ્ક સહિતનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે તેની પણ વિગતો આપી હતી.