સ્વર્ગસ્થ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ દિલ બેચારાનું ટ્રેલર તાજતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું. જેણે યૂટ્યૂબ પર ઘણા રેકોર્ડ બ્રેક કરી દીધા હતા. ફેન્સ સુશાંતની ફિલ્મની આતુરતા પૂર્વક રાહ જોઈ રહયા છે. આ દરમિયાન સુશાંતની ફિલ્મનું ટાઈટલ ટ્રેક શુક્રવારે બપોરે ૧૨ વાગ્યે રિલીઝ કરવામાં આવશે. જેમાં સુશાંત સ્ટેજ પર ડાન્સ કરતા જોવા મળશે.

ફિલ્મ દિલ બેચારાના ડાયરેક્ટર મુકેશ છાબડાએ ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મના ટાઈટલ ટ્રેકની એક ઝલક શેર કરી છે. જેમાં સુશાંત સ્ટેજ પર ડાન્સની શરૂઆત કરતો જોવા મળી રહ્યો છે.

સુશાંત સિંહ રાજપૂત અને સંજના સાંધી પર બનાવવામાં આવેલી ફિલ્મનું આ સોન્ગ ખૂબ જ ખાસ છે. આ સોન્ગનું શૂટિંગ એક જ શોટમાં કરવામાં આવ્યું હતું. તેમ જ આ જ સોન્ગ સુશાંતના જીવનનું અંતિમ સોન્ગ બની ગયું છે જેમાં તે ડાન્સ કરતો અને પ્રેમ લૂંટાવતો જોવા મળી રહ્યો છે.

ફિલ્મના ડાયરેક્ટર મુકેશ છાબડા જણાવે છે કે દિલ બેચારા ટાઈટલ ટ્રેક મારું સૌથી ફેવરિટ સોન્ગ છે. સુશાંતે શૂટ કરેલું આ અંતિમ સોન્ગ છે. આ સોન્ગને ફરાહ ખાને કોરિયોગ્રાફ કર્યું છે, જેનું રિહર્સલ એક જ દિવસમાં કરવામાં આવ્યું હતું અને બીજા દિવસે ફક્ત એક જ શોટમાં સોન્ગ શૂટ કરી દેવામાં આવ્યું હતું. સારા ડાન્સર હોવાના કારણે સુશાંતનું પરફોર્મન્સ ખૂબ જ સરળ અને સહજ લાગી રહ્યું છે. તેમજ ફરાહ ખાને આ સોન્ગને કોરિયોગ્રાફ કરવા માટે એક પણ રૂપિયાનો ચાર્જ લીધો નથી.