આણંદ : વર્ષ ૨૦૧૮ના ઓક્ટોબર માસમાં છેલ્લાં ત્રણ દાયકાથી શહેરના પૂર્વ તથા પશ્ચિમ વિસ્તારને જાેડતાં તુલસી ગરનાળું પહોળું કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આજે બે વર્ષ ઉપરાંતનો સમય વિત્યા છતાં કાયાર્ન્વિત કરવામાં ઉદસીનતા પ્રવર્તી રહી છે. ગરનાળું પહોળું કરવાની મંજૂરી સમયે જશ લેવાં દોડેલા નેતાઓ અદશ્ય થઈ જતાં પાલિકા જંગમાં નેતાઓ માટે આ મુદ્દો માથાનો દુઃખાવો બન્યો છે.

મળતી માહિતી અનુસાર, શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને વાહનો તથા રાહદારીઓ માટે સરળતાથી આવાગમન થઈ શકે તેવાં આશયથી રેલવે હસ્તેનું તુલસી ગરનાળું પહોળું કરવાની માગ ત્રણ દાયકાથી કરવામાં આવી હતી. અગાઉ પૂર્વ રેલવે મંત્રી ભરતસિંહ સોલંકી દ્વારા ગરનાળું પહોળું કરવા ૫.૮૫ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી હતી. જાેકે, બાદમાં આ ગ્રાન્ટ ગાય ચરી જવા પામી હોય મામલો અભરાઇ પર ચઢી જવા પામ્યો હતો. આ મુદ્દે ત્રણ વર્ષ પૂર્વ આ વિસ્તારના જાગૃત નાગરિક દ્વારા આર.ટી.આઇ કરતાં ગ્રાન્ટ ગાય ચરી જવાનો ધટસ્ફોટ થતાં રેલવે તંત્ર પણ ચોકી ઊઠ્‌યું હતું. બાદમાં મે, ૨૦૧૮માં રેલવે દ્વારા ગરનાળું પહોળું કરવાની કવાયત હાથ ધરતાં ૫.૨૫ કરોડના ખર્ચે આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. તે સમયે નેતાઓએ મીર માર્યો હોય તેમ જશ લેવા દોડી ગયાં હતાં. જાેકે, ઓક્ટોબર,૨૦૧૮માં ગરનાળું પહોળું કરવાનો કાર્યારંભ થયાં બાદ આજે બે વર્ષ ઉપરાંતનો સમયગાળો વીતવા છતાં ગરનાળાનો માર્ગ કાયાર્ન્વિત થવા ન પામતાં સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાવવા પામી છે. બીજી બાજું જશ લેવા દોડેલા નેતાઓ પણ આ મુદ્દાના ઉકેલ લાવવાના બદલે અદશ્ય થતાં નેતાઓ પર પણ શંકાની સોય તકાવા પામી છે. ત્યારે વર્તમાનમાં પાલિકાના આગામી ચૂંટણી મુદ્દે પ્રચાર કરવા જતાં નેતાઓ પર ગરનાળા મુદ્દે સવાલની ઝડી વરસતા આ મુદ્દો માથાનો દુખાવો બનવા પામ્યોનું જાણવા મળેલ છે. જાેકે, આ મુદ્દે ચૂંટણીઓ આવશેને જશે, પરંતુ નેતાઓ દ્વારા ત્વરિત ઉકેલ લાવવા માગ ઉઠવા પામીનું જાણવા મળેલ છે.