દિલ્હી-

ચીનના સૌથી ધનિક લોકોમાંના એક જેક મા વિશે શંકા ઉદભવી રહી છે કે તે ગાયબ થઈ ગયા છે. આ અગાઉ તેણે ચીનની સરકારી એજન્સીઓની કામગીરી કરવાની રીત પર સવાલ ઉઠાવ્યા હતા. ફાઇનાન્સિયલ ટાઇમ્સના અહેવાલ મુજબ, જેક મા લગભગ બે મહિનાથી કોઈ જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા નથી. તેના પોતાના ટીવી શો 'બિઝનેસ હીરો ઓફ આફ્રિકા' માં, જેક માને બદલવા માટે કોઈ બીજાને મોકલવામાં આવ્યા છે. જો કે, અલીબાબા કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું કે ટાઇટ શેડ્યુઅલને કારણે જેક મા ટીવી શોમાં ભાગ લીધો ન હતો.

રિપોર્ટ અનુસાર, જેક માનું ગાયબ થવું એ સૂચવે છે કે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, ચીનમાં શ્રીમંત લોકોના ગાયબ થવાની ઘટના નવી નથી. ફોર્બ્સના અહેવાલ મુજબ, ચીનના ઘણા અબજોપતિઓ 2016 થી 2017 ની વચ્ચે ગુમ થયા હતા. રિપોર્ટ અનુસાર, ઘણા લોકો કે જેઓ વર્ષ 2016 થી 2017 ની વચ્ચે ગાયબ થયા હતા, તેઓ ફરી ક્યારેય જોવા મળ્યા નથી. એવી શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે આ અબજોપતિઓના ગાયબ થવા પાછળ તેમની પત્નીઓ, પ્રેમીઓ, વ્યવસાયિક હરીફોનો હાથ હતો. પરંતુ જ્યારે ગુમ થયેલ કેટલાક ધનિક પાછા ફર્યા ત્યારે તેઓએ કહ્યું કે તેઓ અધિકારીઓને મદદ કરી રહ્યા છે.

નવેમ્બરમાં, જેક માએ ચીનની નિયમનકારો અને રાજ્ય સંચાલિત બેંકોની ટીકા કરી હતી. આ પછી, ચીની અધિકારીઓએ જેક મા પર પલટવાર કર્યો અને તેની કંપની એન્ટ ગ્રુપના આઈપીઓ મુલતવી રાખવામાં આવ્યા. ગયા અઠવાડિયે ચીની એજન્સીઓએ કહ્યું હતું કે તેઓ જેક માની કંપની એન્ટ ગ્રુપ સામે એન્ટિ ટ્રસ્ટ તપાસ શરૂ કરી રહ્યા છે. ઉપરાંત, એન્ટ કીટ ગ્રૂપને કન્ઝ્યુમર ફાઇનાન્સ કામગીરી બંધ કરવા આદેશ અપાયો હતો.