અમદાવાદ-

ગુજરાતમાં સ્કૂલો શરૂ કરવા માટે રાજ્ય સરકાર અને સ્કૂલ સંચાલકોએ તૈયારી કરી દીધી છે પરંતુ બાળકોના વાલીઓ હજી તૈયાર નથી. રાજ્યમાં વધતા જતા કોરોના કેસના સંક્રમણ વચ્ચે મોટાભાગના વાલીઓ એવું ઇચ્છી રહ્યાં છે કે સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય 2021ના નવા શૈક્ષણિક વર્ષથી શરૂ કરવો જોઇએ.

ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં જાણે કે કોરોના સંક્રમણનો બીજો રાઉન્ડ શરૂ થયો હોય તેમ પોઝિટીવ કેસોની સંખ્યા વધતી જાય છે. આ સ્થિતિમાં સ્કૂલોમાં બાળકોને મોકલવાની ઉતાવળ વિસ્ફોટક બની શકે છે. રાજ્યના શૈક્ષણિક નિષ્ણાંતોનો પણ એવો મત છે કે સ્કૂલો શરૂ કરવામાં હજી ઉતાવળ કરવી જોઇએ નહીં.

ગુજરાતમાં શરૂ થયેલા શૈક્ષણિક સત્રમાં સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાઓ અત્યાર સુધી બંધ રાખવામાં આવી હોવાથી બાળકોને ઓછું સંક્રમણ થયું છે પરંતુ જો 23મી નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવામાં આવશે તો સામૂહિક રીતે કોરોના પોઝિટીવના કેસો વધી જશે. રાજ્યમાં દિવાળીના તહેવારોમાં લોકોએ લીધેલી છૂટ ભારે પડી રહી છે અને કેસોમાં વિક્રમી વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં પોઝિટીવ કેસનો આંકડો 900ની અંદર આવી ગયો હતો તે વધીને 1200ની આસપાસ આવી રહ્યો છે.

રાજ્યના આરોગ્ય વિભાગના નિષ્ણાંતો કહી રહ્યાં છે કે ઠંડીની સિઝનમાં કોરોના સંક્રમણનો બીજો તબક્કો શરૂ થઇ રહ્યો છે ત્યારે વધારે સાવચેતી રાખવાની જરૂર છે. હજી પણ લોકોએ જાહેર મેળાવડા ટાળવા જરૂરી છે. કોરોના સંક્રમણના કેસો હવે પ્રત્યેક સોસાયટી અને ગામડામાં પ્રવેશી ચૂક્યાં છે ત્યારે બાળકોને કોરોના સંક્રમણથી બચાવવા માટે સરકારે સાવધાની રાખીને સ્કૂલો શરૂ કરવાની ઉતાવળ કરવી જોઇએ નહીં તેવું મોટાભાગના વાલીઓ માની રહ્યાં છે.