લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, જુન 2026 |
2178
દુનિયા ટેક્નોલોજીની બાબતમાં જેટલી આગળ વધી રહી છે, માણસ એટલો જ અંદરથી એકલો પડી રહ્યો છે. ખાસ કરીને યુવા પેઢીમાં ડિપ્રેશન અને એકલતાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ વૈશ્વિક સમસ્યાનો ચીને એક અનોખો અને વ્યાપારી રસ્તો શોધી કાઢ્યો છે. ચીનમાં હાલમાં ‘રેન્ટ-એ-કમ્પેનિયન’ એટલે કે ભાડેથી સાથી મેળવવાની સેવા ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. અહીં લોકો શોપિંગ કરવા, સિનેમા હોલમાં મૂવી જાેવા, રેસ્ટોરન્ટમાં જમવા કે લાંબી મુસાફરી કરવા માટે રોકડ રકમ આપીને પાર્ટનર કે મિત્ર ભાડે લઈ રહ્યા છે.
આજની આ તેજ રફતાર જિંદગીમાં લોકો પૈસાથી તો અમીર થઈ રહ્યા છે, પરંતુ સંબંધો અને પોતાનાપણથી દૂર થતા જઈ રહ્યા છે. મોટા શહેરોની ઝાકઝમાળ વચ્ચે ઘણા લોકો એવા છે જેમની પાસે સારી નોકરી, પૈસા અને સુવિધાઓ તો છે, પરંતુ સાથે બેસીને વાત કરવા વાળું કોઈ નથી. કદાચ આ જ કારણ છે કે, હવે એકલતા પણ એક મોટો બિઝનેસ બનતી જઈ રહી છે. ચીનમાંથી સામે આવેલા એક સમાચાર ખૂબ ચર્ચામાં છે, જ્યાં લોકો હવે દોસ્તી અને સાથ નિભાવવા માટે ભાડેથી સાથી બુક કરી રહ્યા છે. હકીકતમાં ચીનમાં ઝડપથી બદલાતી લાઈફસ્ટાઈલ અને કામના વધતા દબાણે લોકોને ઈમોશનલ રીતે ખૂબ એકલા કરી દીધા છે. ત્યાંના ઘણા યુવાનો હવે લગ્ન અને સંબંધોથી અંતર જાળવી રહ્યા છે. લોકો કલાકો સુધી ઓફિસમાં કામ કરે છે અને તેમની પાસે પરિવાર કે મિત્રો માટે સમય બચતો નથી. આવી સ્થિતિમાં હવે એક નવો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે, જેને ‘કમ્પેનિયનશિપ ઇકોનોમી’ કહેવામાં આવી રહ્યો છે. આ ટ્રેન્ડ હેઠળ લોકો પૈસા આપીને એવા સાથી બુક કરે છે જે તેમની સાથે ફરવા જાય, જમે ફિલ્મ જુએ અથવા માત્ર વાતચીત કરે. આ સંબંધ પ્રેમ કે લગ્ન જેવો હોતો નથી, પરંતુ કેટલાક કલાકો માટે સાથ નિભાવવા જેવો હોય છે.
ચીનમાં ઘણા ઓનલાઇન પ્લેટફોર્મ એવા લોકોને જાેડી રહ્યા છે જેમને સાથ જાેઈએ છે અને જેઓ પૈસા લઈને સાથ આપવા માટે તૈયાર છે. કોઈ શોપિંગ પર સાથે જાય છે, કોઈ કોફી પીવા, તો કોઈ એકલા ટ્રાવેલ ન કરવા માટે સાથી બુક કરે છે. રસપ્રદ વાત એ છે કે, આ માત્ર યુવાનો સુધી મર્યાદિત નથી. ઘણા વૃદ્ધ લોકો પણ એકલતાથી બચવા માટે આ પ્રકારની સેવાઓનો ઉપયોગ કરી રહ્યા છે.ચીનમાં આ બિઝનેસ હવે હજારો કરોડ રૂપિયા સુધી પહોંચી ચૂક્યો છે. ઘણી નાની કંપનીઓ થોડા જ વર્ષોમાં મોટી બની ગઈ છે. એક રિપોર્ટ અનુસાર, કેટલાક સ્ટાર્ટઅપ્સમાં કર્મચારીઓની સંખ્યા ૧૦થી વધીને સેંકડો સુધી પહોંચી ગઈ છે. આનાથી સાફ થાય છે કે, લોકો વચ્ચે ઈમોશનલ જાેડાણની જરૂરિયાત કેટલી ઝડપથી વધી રહી છે. પહેલા લોકો સોશિયલ મીડિયા પર મિત્રો શોધતા હતા, પરંતુ હવે લોકો અસલ જિંદગીમાં કોઈનો સાથ ઈચ્છે છે, ભલે તેના માટે પૈસા જ કેમ ન ચૂકવવા પડે. આ જ કામ સાથે જાેડાયેલા એક વ્યક્તિએ જણાવ્યું કે, થોડા મહિના પહેલા જ તેને ખબર પડી કે લોકો સાથે ટ્રાવેલ કરીને પણ પૈસા કમાઈ શકાય છે. ત્યારબાદ તે પણ આ કામમાં જાેડાઈ ગયો. હવે તે લોકોનો સાથી બનીને દર મહિને સારી કમાણી કરી રહ્યો છે. રિપોર્ટ મુજબ, તે મહિનામાં આશરે ૫૦થી ૭૦ હજાર રૂપિયા સુધી કમાઈ લે છે.