મુંબઈ-

એ્ડ્રોઈડ અને આઈ-ફોન બેમાંથી કયો ફોન સારો એ બાબતે કાયમ વિવાદ ચાલતો રહ્યો છે. કેટલાક લોકો એન્ડ્રોઈડના ફાયદા ગણાવે છે કે તેના પર વારંવાર અપડેટેડ એપ્સ મળે છે કે વધારે લોકો સુધી તે આસાનીથી તમને પહોંચાડી શકે છે, પરંતુ હવે આઈફોનમાં અને ખાસ તો તેના આઈઓએસ 14 પછીના વર્ઝનમાં કેટલાંક કૂલ ફીચર્સની સાથે સાથે તમને એવી તજવીજ પણ જોવા મળશે જે તમારા ડેટાની પ્રાઈવસી તો જાળવશે જ, સાથે અનેક એપ્સ દ્વારા તમારી સાથે જે છેતરપિંડી થાય છે, તે પણ અટકશે. આવા કમસે કમ છ ફીચર્સ આ રહ્યાઃ

1. હવે બધા આઈફોન તમને જણાવશે કે તમારા ફોનમાંનો કયો ડેટા કલેક્ટ થયો અને તે તમારી સાથે જોડાયેલો છે કે કેમઃ એપલે પોતાના નવા એપસ્ટોરને અપડેટ કરીને એવી શરતો મૂકી છે કે, તેના એપ્સ દ્વારા તેને એ માહિતી આપવી પડશે કે, એ યુઝર્સનો કયો ડેટા લે છે અને તે તેની સાથે કેવી રીતે જોડાયેલ છે. એન્ડ્રોઈડમાં પ્રાઈવસી પોલીસી તો જણાવાય છે, પણ એડવર્ટાઈઝ મોકલવા માટે તમારો પ્રોફાઈલ તૈયાર કરાયો છે કે કેમ, તેની માહિતી એન્ડ્રોઈડ ફોન આપતો નથી. 

2. માત્ર સંલગ્ન એપ્સ જ હશે, ક્લોન કે ચીટ એપ્સ નહીંઃ એન્ડ્રોઈડ પર તમને ઘણા એવા એપ્સ જોવા મળશે, જે તમને કહેશે કંઈ અને કરશે કંઈ બીજું. આવા ક્લીકબેઈટ્સ અને ક્લોન એપ્સને બદલે એપલે એવી જોગવાઈ કરી છે કે, તમને જરૂરી અને તમે પસંદ કરેલા એપ્સ જ એપસ્ટોરમાં હોય, બીજા કોઈ લેભાગુ કે ક્લીકબેઈટ્સ પ્રકારના એપ્સ નહીં હોય.

3. તમારી ઓનલાઈન એક્ટીવિટી એપ્સ નહીં જાણી શકેઃ એપલ ફોનમાં હવે આ એવું ફીચર ઉમેરાયું છે, જે તમારી ઓનલાઈન ગતિવિધિને છૂપી રાખશે. સામાન્ય રીતે તમે તમારા એન્ડ્રોઈડ ફોનથી કયા પ્રકારની વેબસાઈટ્સ જૂઓ છો, કે કયો ડેટા ધરાવો છો, તેના પર એપ્સની વોચ હોય છે. હવે એપલ ફોન્સમાં એવી જોગવાઈ છે કે, ઓનલાઈન ગતિવિધિઓને છૂપી રાખી શકાશે અને એપ્સ તેને જોઈ શકશે નહીં.

4. તમારી મરજી વિરૂદ્ધ એપ માઈક કે કેમરા ઓપન નહીં કરેઃ એપલ ફોનના આ નવા ફીચરને પગલે હવે કોઈપણ એપમાં સિક્રેટલી માઈક કે કેમરા ઓપન નહીં કરી શકાય. તેને પગલે યુઝરનો ડેટા સેફ રહે છે અને તમારી માહિતી ઓનલાઈન લીક થવાની શક્યતાઓ નહીં રહે. ક્યારેક સ્પાય એપ્સ તમારી ગુપ્ત માહિતી એકઠી કરે છે. તેને અટકાવવા માટે આ ગોઠવણ કરવામાં આવી છે.


5. માલવેર તમારા પાસવર્ડને કોપી નહીં કરી શકેઃ કેટલીક વખત તમારા ઓનલાઈન કામ દરમિયાન કેટલાંક માલવેર એવા હોય છે, જે તમારા પાસવર્ડ્સને કોપી કરી લે છે. ત્યારબાદ તેનો દુરુપયોગ થવાની શક્યતાઓ છે. તેને અટકાવવા માટે હવે એપલમાં આવું નવું ફીચર છે કે, તે આ પ્રકારના માલવેરને તમારો પાસવર્ડ જ કોપી નહીં કરવા દે. તમારા ક્લીપબોર્ડની ચોરીછૂપીથી ઉઠાંતરી થઈ હશે તો એપલ ફોન તમને તેની જાણ કરશે.

6. આઈઓએસ એપ્સ વાપરવા માટે તમારે ઓછામાં ઓછી માહિતી આપવાની રહેશેઃ એપલે પોતાના એપ્સ ડેવલોપર પાસે એવી શરત અંકે કરી છે કે, તે હવે યુઝર્સ પાસે ખૂબ જ જરૂરી હોય તેવી જ માહિતી માંગશે. આ પ્રકારે અત્યંત આવશ્યક હોય એવી જ માહિતી એપ્સ તમારી પાસેથી માંગશે. જ્યારે એન્ડ્રોઈડ પણ થોડુંક સખ્ત થયું હોવા છતાં તેમાં એવા એપ્સની ભરમાર હજીપણ ચાલુ જ છે, જે ફંક્શન કરવા માટે તમારા કોન્ટેક્ટ્સની યાદી વાપરવા માંગતા હોય છે.