બ્રિસ્બેન-

કાંગારૂઓની સામે ભારતે જે ઐતિહાસિક ટેસ્ટ વિજય મેળવ્યો તેને હજી સુધી ક્રિકેટ પ્રેમીઓ ભૂલ્યા નથી. પાંચમા દિવસે ખાસ કરીને ચેતેશ્વર પૂજારા અને શુભમન ગીલ જે રીતે જામી પડ્યા હતા તેનાથી ઓસ્ટ્રેલિયાના બોલરો પરેશાન હતા. ત્યાં સુધી કે હતાશ થઈને અવારનવાર બાઉન્સરો કે બોડીલાઈન બોલ નાંખીને ભારતીય જોડીને ઉખેડવા મરણીયા બન્યા હતા.

મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સ જેવા બોલરોને કંઈ કરવાનું બાકી નહોતું રાખ્યું અને કમિન્સના ફાસ્ટ બાઉન્સરે પૂજારાને 11 વાર હીટ કર્યો હતો. એકાદવાર તો એવા જ એક ફાસ્ટ બાઉન્સરે તેની હેલ્મેટના ગાર્ડને પણ છૂટું પાડી નાંખ્યું હતું.

પરંતુ આવા સમયે પણ સામે છેડે શુભમન ગીલ ખૂબ જ કૂલ જણાતો હતો. જેણે વિશ્વની ટેસ્ટક્રિકેટના ઈતિહાસમાં ગાવસ્કર, વિશ્વનાથ, પટૌડી અને બોર્ડે જેવા કૂલ રહેવાના ધૂરંધર બેટ્સમેનો આપ્યા છે એવા ભારતના આ વધુ એક કૂલ બેટ્સમેને કલાકો સુધી ક્રિઝ પર ટકી રહીને ઓસ્ટ્રેલિયન બોલરોના રીતસરના ગાભા કાઢ્યા હતા. 

તેણે સ્ટાર્કની આવી અળવીતરી બોલિંગનો બેટથી જવાબ આપતાં મેદાનની ચારેબાજુ ફટકાબાજી કરીને એક સમયે ટેસ્ટને વન-ડેમાં ફેરવી નાંખી હતી. તેણે પૂલશોટ, હૂકશોટ, પંચશોટ અને બચી ગયા એ બેકફુટ શોટ પણ ફટકારીને ભારતને જીત નિર્ણાયક બનાવી. ખાસ કરીને મેલ્બોર્નમાં બીજી ટેસ્ટમાં પ્રવેશનાર શુભમન તેની બેકફૂટ બેટીંગ માટે વખણાય છે, જે ટેસ્ટ ક્રિકેટનું એક જમાપાસું ગણાય છે. પંચશોટમાં એ માહિર છે, સાથે જ એ બોલની લેન્થને અગાઉથી પામી જાય છે અને તેને આધારે ફૂટ મૂવ કરી શકે છે. અપરકટથી પૂલશોટ સુધીના તમામ શોટ્સની રેન્જ આ શાનદાર બેટ્સમેન પાસે છે. 

સવાલ એ છે કે, શુભમન આટલું સરસ બેકફૂટ બેટીંગ કરતાં શીખ્યો કઈ રીતે. વાત એમ છે કે, આ ક્રિકેટરના પિતા લખવિંદર સિંઘ ભલે ક્રિકેટ માટે જાણીતું નામ ન હોય, પણ તેમની ક્રિકેટ પ્રેક્ટીસ બાબતની સુઝ આગળ ભલભલા કોચ પાણી ભરે. શુભમન ટીનેજ બોય હતો ત્યારથી તેને પંજાબ વતી રમાડવા માટે તેના પિતા પ્રોત્સાહિત કરતા હતા. 

પંજાબના ફજિલ્કા જિલ્લાના ચક ખરેવાલા નામના નાનકડા ગામના વતની આ ક્રિકેટરને તેના પિતા એ જ્યારે ખાલી નવ વર્ષનો હતો ત્યારથી રોજના 1500 શોર્ટ બોલ્સ રમવા પ્રેરણા આપતા, બલકે ફરજ પાડતા હતા. આટલું ઓછું હોય એમ બોલને ચારપોય પરથી નાંખતા અને તેને બેટને બદલે એક સ્ટમ્પથી રમવા ફરજ પાડતા હતા. તેની આટલી આકરી તાલીમને પગલે આજે શુભમન એક્સપર્ટ બેટ્સમેન બની શક્યો છે.