મુંબઈ- 

સ્થાનિક બજારોમાં મજબૂત સંકેતોને પગલે ભારતીય શેરબજારોમાં મંગળવારે  એટલે કે સપ્તાહના બીજા દિવસે પણ સેન્સેક્સ મજબૂતી સાથે ખૂલ્યો હતો. કામકાજની થોડી મિનિટો દરમિયાન તે 52,500ના સ્તરને પણ પાર કરી ગયો હતો. શેરબજારના બંને સૂચકાંકો એટલે કે, બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી પણ ઊંચા સ્તરે કામકાજ કરી રહ્યા હતા. નિફ્ટીમાં પણ ઉછાળો જોવાતાં તે 15,416 પર પહોંચી ગયો હતો. 

ખાસ કરીને બેંકીંગ શેરોમાં લેવાલી નિકળતાં સેન્સેક્સમાં 300 અંકોનો ઉછાળો નોંધાયો હતો. ઉપરાંત ફાઈનાન્સ અને મેટલ્સના શેરોમાં પણ લેવાલી જોવાઈ હતી. બીએસઈના 1638 શેરો પૈકી 1090 શેરોમાં વધારો જ્યારે 485 શેરોમાં ઘટાડો નોંધાયો હતો. લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ જે સોમવારે 205.15 લાખ કરોડ હતી તે મંગળવારે કામકાજ દરમિયાન 206.29 લાખ કરોડ થઈ હતી. સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં પણ લેવાલી જોવાઈ હતી. મિડકેપ ઈન્ડેક્સ 0.49 ટકા વધારા સાથે મજબૂત રહ્યો હતો. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.56 ટકાનો વધારો નોંધાયો હતો. બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં પણ 0.7 ટકાનો વધારો જોવાયો હતો.