વડોદરા : વડોદરા શહેરમાં ચોતરફ પાલિકાના તંત્રનું નાક કાપીને મનસ્વી રીતે ખોદકામ કરતા કેબલવાળાઓને લઈને વધુ એક વખત મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. શહેરમાં પથરાયેલી ગેસ અને અન્ય લાઈનોનો અભ્યાસ કર્યા વિના કે માહિતી મેળવ્યા વિના આડેધડ કરાતા ખોદકામને લઈને વારંવાર સમસ્યાઓ ઉભી થાય છે. આવી જ વધુ એક કામગીરી જયરત્ન ચાર રસ્તા પાસે કરતી વખતે ખાડો ખોડનાર કેબલ કંપનીવાળાની અક્ષમ્ય બેદરકારીને લઈને ગેસની પાઈપલાઈન ક્ષતિગ્રસ્ત બનતા ગેસ લીકેજ થવા પામ્યો હતો. આને લઈને ત્યાંથી પસાર થતા વાહન ચાલકોનો વાહન વ્યવહાર તત્કાળ અટકાવી દઈને ગુજરાત ગેસ કંપનીને આ બાબતની જાણ કરાતા ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમજ આગળથી ગેસ પુરવઠાની લાઈન બંધ કરીને ક્ષતિગ્રસ્ત ગેસ લાઈનના સમારકામની કામગીરી તત્કાળ હાથ ધરવામાં આવી હતી.આ ઘટનાને લઈને આ ગેસ લાઇનમાંથી ગેસ પુરવઠો મેળવનાર અંદાજે વીસ હજાર જેટલા ગ્રાહકો એકાએક મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.પાલિકાના કાઉન્સિલર બાલુ સુર્વેને ઘટનાની જાણ થતા સ્થળ પર દોડી ગયા હતા. શહેરના આર વી દેસાઈ રોડ પર આવેલા જયરત્ન ચાર રસ્તા પાસે ગેસની લાઇનમાં ભંગાણ પડતા ત્યાંના રહીશો ચિંતામાં મુકાઈ ગયા હતા. સ્માર્ટ સિટીના સ્માર્ટ કામના લીધે ખાડો ખોદવાની કામગીરી થતા ધ્યાન ના રહેતા. તેમજ એક સાથે કોન્ટ્રાક્ટરના તમામ મશીન ચાલવાથી ખોદકામ દરમિયાન ઉંધી જગ્યા પર કટર વાગતા ગેસની લાઈનની અંદર ભંગાણ સર્જાયું હતું . જેની જાણ થતા તુર્તજ ગુજરાત ગેસ લિમિટેડના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી જઈને ગેસ લાઈનના ભંગાણની ચકાસણી કરી હતી.ત્યારબાદ તુર્તજ એને ચાલુ કરવા માટેની સમારકામની કામગીરી હાથ ધરી હતી.