જામનગર-

જામનગર શહેરના ટ્રાફિકથી ધમધમતા દીપક ટોકિઝ વિસ્તારમાં વાહન ટોઈંગ કરતી સમયે ટ્રાફિક પોલીસ અને એક દંપતી વચ્ચે ઝપાઝપી થતા ટ્રાફિકજામ સર્જાયો હતો. દંપતીનું વાહન ટોઈંગ કરી લેવાતા પોલીસ સાથે પહેલા ઉગ્રબોલાચાલી અને બાદમાં ઝપાઝપી કરી હતી. તો સામેની તરફ પોલીસ જવાને પણ પતિને ફડાકાવાળી અને ગાળાગાળી કરી હતી. પોલીસ અને દંપતી વચ્ચેની બબાલનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

જામનગર ટ્રાફિક પોલીસની ટોઈંગવાને સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ નજીકથી વાહનો ટોઈંગ કરવાનુ શરૂ કર્યું હતું. આ સમયે એક દપંતીનું મોટર સાયકલ પણ ટોઈંગ કરાતા દંપતીએ ફરજ પરના ટ્રાફિક પોલીસ જવાન સાથે બોલાચાલી કરી હતી. જેથી ટ્રાફિક પોલીસે યુવકનો કાંઠલો પકડી ઈમરજન્સી પોલીસને બોલાવી હતી. આ દરમિયાન જ યુવક અને તેની પત્નીએ પોલીસ સાથે ઝપાઝપી કરતા મામલો ઉગ્ર બન્યો હતો.