આણંદ, તા.૨૪  

આણંદ જિલ્લામાં છેલ્લાં કેટલાક દિવસથી કોરોના વાઇરસનો કહેર યથાવત રહેવા પામ્યો છે. વહીવટી તંત્ર દ્વારા અર્થાત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાઇરસના સંક્રમિત પોઝિટિવ લોકોનો આંક છુપાવવામાં આવી રહ્યો હોવાની ચોંકાવનારી વિગત આરોગ્ય વિભાગ દ્વારા રજૂ કરેલાં રિપોર્ટ પરથી સાબિત થઈ રહી છે.

ગત તારીખ તા.૨૨મી જૂનના રોજ આરોગ્ય વિભાગે રજૂ કરેલાં રિપોર્ટમાં આણંદ જિલ્લામાં કોરોનાના વધુ બે કેસ આણંદ અને ખંભાતમાં હોવાનું અને કુલ સંખ્યા ૧૫૭ હોવાનું દર્શાવાયું હતું. ત્યારબાદ બીજા દિવસના એટલે કે તારીખ ૨૩મી જૂન કોરોના અપડેટ રિપોર્ટમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૫૭ દર્શાવાઈ હતી, પરંતુ આ દિવસે કોરોનાનો કોઈ કેસ નોંધાયો ન હોવાનું રિપોર્ટમાં દર્શાવાયું હતું. હવે આજે તા. ૨૪મી જૂનના રોજ આરોગ્ય વિભાગના રિપોર્ટમાં કોરોનાનો કુલ આંક ૧૬૭ દર્શાવાયો છે, પરંતુ જિલ્લામાં આજે કયા ગામ કે શહેરમાં કે તાલુકામાં કેટલાં દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યાં છે, તે દર્શાવ્યું નથી! તા.૨૩ના રિપોર્ટમાં ૧૫૭ અને તા.૨૪ના રિપોર્ટમાં ૧૬૭ કુલ આંક દર્શાવે છે. તો આ ૧૦ દર્દી આવ્યાં ક્યાંથી? અને જા પોઝિટિવ રિપોર્ટ આવ્યાં છે તો તે જણાવાતું કેમ નથી!?

અહીં એક વાત સ્પષ્ટ થાય છે કે, છેલ્લાં ૨૪ કલાકમાં જિલ્લામાં વધુ દસ કેસ કોરોના પોઝિટિવ આવ્યાં હોવાનું તંત્રના રિપોર્ટ પરથી માલુમ પડી રહ્યું છે. છેલ્લાં બે દિવસથી તંત્ર દ્વારા જિલ્લામાં નોંધાયેલાં કોરોનાના દર્દીઓની સંખ્યા છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું આ રિપોર્ટ પરથી માલૂમ પડી રહ્યું હોવાની ચર્ચા છે.

નવાં દર્દી ડિસ્ચાર્જ થયાં નથી, પોઝિટિવનો આંકડો વધી ગયો, પણ સારવાર લેતાં દર્દીઓનો આંકડો એટલોને એટલો!

તા.૨૨ જૂનના રોજ જિલ્લામાં કુલ પોઝિટિવની સંખ્યા ૧૫૭ દેખાડવામાં આવે છે. તેની સામે જિલ્લામાં વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં દર્દીઓની સંખ્યા ૧૨ દેખાડવામાં આવી છે. તા. ૨૩ જૂનના રોજ પણ આ જ આંકડો દર્શાવવામાં આવી રહ્યો છે. તા.૨૪ જૂનની પ્રેસ રિલીઝમાં કુલ પોઝિટિવ દર્દીનો આંકડો અચાનક ૧૬૭ (જૂના ૧૫૭ સામે) થઈ ગયો છે. એટલે કે, ૧૦ નવાં કેસ આવ્યાં છે. આ નવાં કેસની વિગતો તો આપવામાં નથી આવી, પણ જિલ્લામાં સારવાર લેતાં દર્દીઓનો આંકડો એટલોને એટલો ૧૨ જ દેખાડવામાં આવ્યો છે. તો નવાં ૧૦ દર્દી ક્યાંના છે? ક્યાં સારવાર લઈ રહ્યાં છે!?

આરોગ્ય અધિકારી તો ક્યારેય ફોન ઉપાડતાં જ નથી!

આ વિશે આણંદના આરોગ્ય અધિકારી એમ.ટી.છારી પાસેથી માહિતી મેળવવા માટે લોકસત્ત જનસત્તાએ વારંવાર તેમનાં મોબાઇલ પર ફોન કર્યો હતો, પણ સાહેબે ફોન રિસીવ કરવાની તસ્દી લીધી ન હતી. સાહેબ કદાચ ક્યાંક મીટિંગમાં બિઝી હોય એવું બને પણ તેઓએ સામે મેસેજ કરવાની પરવા પણ કરી ન હતી. આવું આ પહેલી વખત નથી થયું, વારંવાર થાય છે.