વડોદરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન અને મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ-વે ના જમીન સંપાદનમાં શહેર અને ગ્રામ્ય પ્રાંત કચેરીમાં મોટો ભ્રષ્ટાચાર થતો હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા આવી જમીન ગુમાવનાર માલિક પાસે વળતરની રકમના ર૦ ટકા જેટલી મોટી કટકી માગવામાં આવી હોવાની રજૂઆત રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવતાં તપાસ શરૂ કરવામાં આવી છે. પાંચ હજાર કરોડ ઉપરાંતના આ પ્રોજેકટમાં પ્રાંત કચેરીઓના ટોચના અધિકારીઓ દ્વારા જ વળતરની રકમના ર૦ ટકાની રકમની માગણી કરવામાં આવે છે ત્યારે રૂપિયા એક હજાર કરોડના આ ભ્રષ્ટાચારની વિગતો જાેઈ ખુદ રાજ્ય સરકાર પણ ચોંકી ઊઠી છે અને વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેકટની જાણ હોવા છતાં ભ્રષ્ટાચારના ઈરાદે અનેક જમીનમાલિકો અને ખેડૂતોના વળતર લટકાવી રાખવાની હિંમત કરનાર આવા અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા હમણાં જ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે ની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આ પ્રોજેકટ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હતી. ત્યારે શહેર નજીકથી પસાર થતા હાઈવે માટેની જમીન સંપાદનની કાર્યવાહીમાં મોટા ભ્રષ્ટાચારને કારણે વળતર ચૂકવવામાં વિલંબ થતો હોવાથી ભવિષ્યમાં કાયદાકીય ગુંચ ઊભી થવાની શક્યતાઓ પણ હોવાનું જણાવી નીતિન ગડકરીને પણ ફરિયાદ કરવામાં આવી છે. અગાઉ ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોરની જમીન સંપાદનની કાર્યવાહીમાં મોટો ભ્રષ્ટાચાર થતાં અંતે સીબીઆઈ સમક્ષ જાગૃત ખેડૂતે ફરિયાદ કરી હતી અને તપાસ થતાં અનેક અધિકારીઓ કાયદાની ચુંગાલમાં આવ્યા હતા. ત્યારે બુલેટ ટ્રેન અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે એમ બંને પ્રોજેકટોની પણ સીબીઆઈ તપાસ કરે તો સંપાદનની કાર્યવાહી માટે જવાબદાર ટોચના અધિકારીઓનો મસમોટો ભ્રષ્ટાચાર બહાર આવે એમ હોવાનું બહાર આવ્યું છે.

જમીન ગુમાવનાર ખેડૂત કે માલિકની જમીન સંપાદન કરવામાં આવે ત્યારે હાલમાં સરકાર દ્વારા આવા લોકોને બજાર કિંમતથી વધુ વળતર આપવામાં આવે છે અને એ વાતને જ આધાર બનાવી વળતરની રકમના ર૦ ટકા જેટલી રકમની કટકી ઉચ્ચ અધિકારીઓ દ્વારા માગવામાં આવે છે અને એ પણ વળતરનો ચેક આપતાં પહેલાં એ રકમ રોકડમાં લઈ લેવાયા બાદ જ ચેક સુપરત કરવામાં આવે છે. આવા સંપાદનોમાં વળતરની રકમ કરોડોમાં થાય છે ત્યારે કટકીની ર૦ ટકા રકમ પણ રપ થી ૪૦ લાખ જેટલી થતી હોય છે એવા કિસ્સાઓમાં જમીન ગુમાવનાર માટે આટલી મોટી રકમ રોકડમાં આપવી શક્ય નથી હોતું એવા સંજાેગોમાં ચેક તૈયાર હોવા છતાં લાભાર્થીઓને લટકાવી રખાય છે અને એક યા બીજા બહાના હેઠળ ખેડૂત કે જમીનમાલિકોને ટલ્લે ચઢાવાય છે. પરિણામે નાછૂટકે જમીન ગુમાવનારને ઘર કે દાગીના વેચી અથવા ઊંચા વ્યાજે કટકીની લાંચની રકમ એકઠી કરવી પડતી હોય છે. આવા અનેક કિસ્સાઓ અંગેની ફરિયાદ રાજ્ય સરકાર તેમજ કેન્દ્રિય પરિવહન મંત્રીને મોકલવામાં આવી છે. તપાસ બાદ આવા કટકીબાજાે ઉચ્ચ અધિકારીઓ સામે કડક કાર્યવાહી થઈ શકે છે.

રાજ્ય સરકારને રજૂઆત કરાઈ

આ મામલે પ્રાંત કચેરીઓમાં વળતરના કામોમાં થતો ભ્રષ્ટાચાર ઊડીને આંખે વળગે એવો હોય છે જેમાં બિલકુલ બાજુ-બાજુમાં સમાન પ્રકારની જમીનો ધરાવતા માલિકો પૈકી જેને ર૦ ટકા આપી દીધા હોય એને ક્યારનુંય વળતર ચૂકવી દેવાયું છે. જ્યારે જે માલિક આપવા તૈયાર નથી એને લાંબા સમયથી અટકાવી રખાયું છે. આવા કેસના પુરાવાઓ સહિતની રજૂઆત રાજ્ય સરકારને કરવામાં આવી છે.