લોકસત્તા વિશેષ તા. ૨૭

શહેરના વિકાસનો આધાર જેના પર રહેલો છે તે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ તેનું મૂળ કામ ચૂકી હવે જાણે સત્તાવાર રીતે તોડપાણીમાં કામે લાગ્યું હોય તેવી લાગણી કોર્પોરેશન સંકુલમાં ઉભી થઈ છે. શહેરમાં આશરે ૫ હજારથી વધુ ગેરકાયદે દબાણો સામે કાયદેસરની કાર્યવાહી કરવાના બદલે દલાલોના ઈશારે ફાઈલો દબાવી દેવામાં આવી છે. ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ માત્ર નોટીસ આપીને તેની બાતમી દલાલો સુધી પહોંચાડાઈ રહી છે. એટલું જ નહીં દલાલોના ઈશારે ૨૬૦(૧) અને ૨૬૦ (૨)ની નોટીસ આપ્યા બાદ ફાઈલો ગાયબ કરી દેવામાં આવે છે. આ સ્થિતિમાં શહેરને દબાણમુક્ત કરવાની કામગીરીનો પાયો જે વિભાગ પાસે છે તે વિભાગ જ જાણે વચેટીયાની ભૂમિકા ભજવતું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે.

લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત જાણકારી અનુસાર વડોદરા શહેરમાં ઉભા થયેલા હજારો ગેરકાયદે બાંધકામ પૈકી રજાચિઠ્ઠીથી વિરૃધ્ધ કરેલા બાંધકામો માટે ટાઉન પ્લાનિંગ બાંધકામ પરવાનગી શાખાએ કાર્યવાહી કરવાની હોય છે. આવા બાંધકામની ફરિયાદ આવતા જ દબાણકર્તા સામે ૨૪ કલાકમાં કાર્યવાહી થવાની હોય તેમ અધિકારીઓ દેખાડા કરતા હોય છે. પરંતુ ત્યાર બાદ આ ઓફિસના પગથીયા ઘસવાની શરુઆત કરનાર નાગરીકના પગના ચપ્પલ ઘસાઈ જાય તો પણ દબાણ દુર કરવાની કાર્યવાહી થતી નથી.

દબાણ દૂર કરવાની કાર્યવાહી ન થાય તેના કરતા વધુ ગંભીર ખેલ ટાઉન પ્લાનિંગ વિભાગમાં ચાલી રહ્યો છે અને તે છે તોડપાણીનો ખેલ. આ ખેલમાં દબાણ દુર કરવાની નોટીસ આપવામાં આવે કે તરત જ ટાઉન પ્લાનિંગના અધિકારીઓ જ દલાલોને તેની જાણ કરતા હોય છે. ત્યાર બાદ દલાલ દબાણકર્તાને મળીને તોડની રકમ નક્કી કરે છે અને જેમાં તોડની રકમ નક્કી થાય તેવા કિસ્સામાં દબાણની ફાઈલ ગાયબ કરી ફરિયાદીને દેખાડવા પુરતી ફાઈલો ચલાવવામાં આવે છે.

કોર્પોરેશન ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા વડોદરા શહેરમાં છેલ્લા વર્ષોમાં ૫ હજારથી વધુ નોટીસો આપવામાં આવી છે. પરંતુ છેલ્લા ૫ વર્ષમાં ૫૦૦ ગેરકાયદે બાંધકામો સામે પણ પગલા લેવાયા નથી. કોર્પોરેશનના અધિકારીઓના સીધા આશિર્વાદથી ચાલતા આ કોભાંડમાં ટાઉન પ્લાનિંગ બાંધકામ પરવાનગી વિભાગ જાણે વચેટીયાની ભૂમિકામાં આવ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે.

પશ્ચિમ વિસ્તારના એક ઉમંગી કોર્પોરેટરે ડ્રોન ઉડાડી ફોટા પાડ્યા

ટાઉન પ્લાનિંગ વિભાગમાં ચાલતા તોડપાણીના ખેલમાં કેટલાક કોર્પોરેટરો પણ કાયમી સભ્યો છે. જેમાં પોતાના મત વિસ્તારના દબાણની ચિંતા કરવાના બદલે આવા કોર્પોરેટરો શહેરના અન્ય વિસ્તારોના દબાણોમાં વચેટીયાની ભૂમિકા ભજવી દલાલી કમાવવા માટે આખો દિવાસ ટાઉન પ્લાનિંગ ઓફિસર જીતેશ ત્રિવેદીની પગચંપી કરતા જાેવા મળે છે. આવા ખેલમાં પશ્ચિમ વિસ્તારના એક ઉમંગી કોર્પોરેટરે ગેરકાયદે દબાણ શોધવા માટે ડ્રોન ઉડાડ્યું હોવાનું સામે આવ્યું છે. જે બાદ ત્રિવેદી સાથે બેઠક કરી મોટો ખેલ કર્યાની ચર્ચા કોર્પોરેશનમાં ચાલી રહી છે.

કમિશનર સહી નથી કરતા તેવો કાયમી જવાબ તૈયાર

ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરીમાં હંમેશા નિરસતા દાખવનાર જીતેશ ત્રિવેદી કોઈ એક વ્યક્તિને વર્ષો સુધી ફેરવ્યા કરવાની અદ્દભુત ક્ષમતા ધરાવે છે. ખાસ કરીને જ્યાં પ્રેશર સહન ન થાય તેવા કિસ્સામાં કમિશનર ફાઈલો પર સહી નથી કરતા તેવો કાયમી જવાબ તૈયાર રાખવામાં આવે છે. હકીકતમાં દબાણની ફાઈલોની મુવમેન્ટ કમિશનરને ખબર પણ હોતી નથી. ત્યારે કમિશનરના નામે મોટા ભાગના અરજદારોને ધક્કા ખવડાવી પાછા મોકલવામાં આવતા હોય છે.

કોર્પોરેશન ટાઉન પ્લાનિંગ વિભાગમાં આર્કિટેક્ટોની પંચાયત ત્રિવેદીનું મોટું પીઠબળ

કોર્પોરેશન ટાઉન પ્લાનિંગ વિભાગમાં ત્રિવેદી આર્કિટેક્ટોની પંચાયતને જાેડે રાખીને ચાલે છે. આ પંચાયત એટેલેકે પાંચ આર્કિટેક્ટ જીતુ, રૃચિર, હિતેષ, ચિરાગ અને હાર્દિક. આ આર્કિટેક્ટની ફાઈલો ત્રિવેદી ગમે તે રીતે મંજુર કરવા માટે તૈયાર હોય છે. એટલું જ નહીં આ પૈકી કેટલાક આર્કિટેકટની ફાઈલો કદી કોર્પોરેશનમાં જાેવા મળતી નથી. પરંતુ માત્ર ફાઈલનો નંબર પડે કે તુરત જ આ આર્કિટેક્ટની ઓફિસે ટાઉન પ્લાનિંગનો સ્ટાફ ફાઈલ પહોંચાડી દેતો હોય છે. જે બાદ ત્રિવેદી આ આર્કિટેક્ટની ઓફિસે જઈ ફાઈલો મંજુર કરતા હોવાની પણ ચર્ચા કોર્પોરેશનમાં ચાલી રહી છે.

ત્રિવેદીના રાજમાં દલાલની લાગણી અનુભવતા કર્મચારીઓ

કોર્પોરેશન ટાઉન પ્લાનિંગ વિભાગની કામગીરી કરતા કર્મચારીઓ ટીડીઓ જીતેશ ત્રિવેદીના રાજમાં દલાલ બની ગયા હોય તેવી લાગણી અનુભવી રહ્યા છે. ટાઉન પ્લાનિંગ વિભાગના એક કર્મચારીના જણાવ્યા અનુસાર જીતેશ ત્રિવેદી સવારે નોટીસ આપી દબાણ તોડવાનો આદેશ આપે, બપોરે રોકાઈ જવાનું કહે, સાંજે દલાલને મળવાનું કહે અને બીજા દિવસે સવારે ફાઈલ ગાયબ કરવાનું કહે. આ સ્થિતિમાં સરકારી કર્મચારીના બદલે દલાલ બની ગયા હોય તેવો ભાવ કર્મચારીઓમાં ઉભો થયો છે.

ટાઉન પ્લાનિંગમાં ૨૦ વર્ષથી ત્રિવેદીનું એક હથ્થુ શાસન

કોર્પોરેશન ટાઉન પ્લાનિંગ વિભાગ શાખામાં સાચા ખોટા કામો કરાવવા માટે જીતેશ ત્રિવેદીની મોનોપોલી છે. છેલ્લા ૨૦ વર્ષથી ટાઉન પ્લાનિંગ વિભાગમાં એકહથ્થુ શાસન ધરાવનાર જીતેશ ત્રિવેદી નેતાઓની ખુશામત કરનાર કોર્પોરેશનના સૌથી મોટા અભિનેતા હોવાની પણ છાપ ઉભી થઈ છે. છેલ્લા ૨૦ વર્ષમાં બે-ત્રણ વખત ત્રિવેદીને ટાઉન પ્લાનિંગમાંથી ખસેડવાનો તખ્તો ઘડાયો પણ રાજકીય આકાઓની પગચંપીમાં વ્યસ્ત રહેતા ત્રિવેદી ટુંકા ગાળામાં જ ફરી પાછા ટાઉનપ્લાનિંગમાં આવી જાય છે. જેથી તેઓનું એકહથ્થુ શાસન જાેવા મળે છે.