લોકસત્તા વિશેષ : ભાજપના કોર્પોરેશનના એક હોદ્દેદાર દ્વારા છેલ્લા પાંચ વર્ષના શાસનકાળ દરમ્યાન કોન્ટ્રાકટરો દ્વારા ભારતીય જનતા પાર્ટીને આપવામાં આવેલા પાર્ટી ફંડની કોઠી ઉલેચી તેમાંથી વિરોધી જુથના નેતાઓ પર કાદવ ઉછાળવાની કરવામાં આવેલી પ્રવૃતિથી સમગ્ર ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી ચિતરાઈ રહી હોવાની છબી ઉભી થતાં પ્રદેશ મોવડી મંડળ સ્તબ્ધ થઈ ગયું છે. કોર્પોરેશનમાં વહીવટી પાંખ તરફથી ચૂંટાયેલી પાંખ તરફ આવતી કોન્ટ્રાકટની દરખાસ્તને મંજુર કરતા પહેલાં કોર્પોરેશનમાં જ બેસતા ભાજપના બે નેતા અને એક હોદ્દેદાર આ મામલે નિર્ણય કરતા હતા. પરંતુ હવે પોતાના તરફ આવેલા ભ્રષ્ટાચારના ભોરીંગને દૂર કરવા માટે આ નેતાઓએ વિરોધી જુથના નેતા તરફ આંગળી ચિંધવાનું શરૂ કર્યું છે. ત્યારે શહેર ભાજપમાં જામેલી આ યાદવાસ્થળીને લઈ પ્રદેશ મોવડી મંડળમાં નારાજગી જાેવા મળી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે આ મામલે કોર્પોરેશનમાં ભાજપના એક હોદ્દેદારે સ્વયં તપાસ અધિકારી અને સ્વયં ન્યાયાધીશ બની કરેલી આ તપાસમાં કોન્ટ્રાકટરોની ઉલટ તપાસ કોના ઈશારે કરવામાં આવી તેને લઈને પણ વિવાદ શરૂ થયો છે. લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત જાણકારી અનુસાર કોર્પોરેશનમાં છેલ્લા અઢીવર્ષના શાસનમાં મુખ્ય હોદ્દો ધરાવતા એક હોદ્દેદારે કોન્ટ્રાકટરોને ફોન કરી અને બોલાવીને ટેન્ડર મંજુરી માટે કોને કેટલા રૂપિયા આપ્યા તેની ઉલટ તપાસ શરૂ કરી છે. આ તપાસમાં પક્ષના અનેક સાથી સભાસદો સહિત મોટા ગજાના નેતાઓના નામ જાેગ તપાસ કરવામાં આવતા ભાજપમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે. આ હોદ્દેદારે પાર્ટીના ક્યા નેતાના કહેવાથી કે આદેશથી આ તપાસ કરી હતી તેને લઈને અનેક અટકળો વહેતી થઈ છે. દરમ્યાન વિશ્વાસપાત્ર સૂત્રોના જણાવ્યા અનુસાર કોર્પોરેશનમાં ચાલતા વહીવટમાં ટેન્ડર મંજુર કરવા માટેની પ્રક્રિયા દરમ્યાન કોર્પોરેશનમાં બેસી પાર્ટી સાથે સંકલન કરતા બે નેતાઓ સમગ્ર વહીવટ કરતા હતા. જેઓ સાથે સ્વયં ન્યાયધીશ બની તપાસ કરનાર હોદ્દેદાર પણ સંકલન કરતા હતા. ત્યારે આ ત્રણ જવાબદારો વચ્ચે રંધાયેલી ખિચડીમાં ક્યાં કાચુ કપાયુ કે તેને લઈ સમગ્ર મામલો બહાર આવ્યો છે તેને લઈ ભાજપમાં અનેક અટકળો વહેતી થઈ છે.

એક હોદ્દેદારના રૂપિયા પેટ્રોલ પંપે લેવાતા હતા 

કોર્પોરેશનમાં ચાલતા કરોડો રૂપિયાના ટેન્ડરના વહીવટમાં ભાજપના પાર્ટી ફંડ પર કાતર ફેરવી રૂપિયા વગે કરવાના ખેલમાં અનેક નેતાઓના નામો સામે આવી રહ્યા છે. જેમાં કોર્પોરેશનના એક જવાબદાર હોદ્દેદારના રૂપિયા માટે કોન્ટ્રાકટરોને એક પેટ્રોલપંપ ખાતે મોકલવામાં આવતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ત્યારે પોતાને પ્રમાણિકતાનું સ્વયં પ્રમાણપત્ર આપનાર આ હોદ્દેદાર પણ શંકાના ઘેરામાં આવતા ચકચાર મચી છે.

અગાઉના અઢી વર્ષના શાસનની પણ તપાસ કરી? 

કોર્પોરેશનમાં ભાજપના પાર્ટી ફંડમાં આવેલા રૂપિયાની સ્વઘોષિત એક વ્યક્તિની તપાસ સમિતિના સ્વનિયુક્ત હોદ્દેદાર દ્વારા છેલ્લા અઢી વર્ષની નહી પરંતુ છેલ્લા ૫ વર્ષના ભાજપના શાસનકાળમાં કોન્ટ્રાકટરો પાસેથી ઉઘરાવેલા રૂપિયાની તપાસ કરી છે. જેમાં આ હોદ્દેદાર સાથે કોમન જુથમાં બેસનાર એક પૂર્વ હોદ્દેદારની પણ તપાસ કરવામાં આવતા પોતાના જુથમાં પણ નારાજગી ઉભી કરી હોવાનું જાણકારોનું મનાવું છે. જાેકે અગાઉના અઢી વર્ષની તપાસ કરવા પાછળનો ઈરોદો પણ ચોક્કસ પૂર્વ હોદ્દેદારને નિશાન બનાવવાનો હોવાનું કહેવાય છે.

ભાજપમાં ત્રિપાંખિયો જંગ શરૂ થયો

ભાજપમાં પાર્ટી ફંડના રૂપિયાને લઈ શરૂ થયેલા વિવાદમાં ત્રિપાંખીયો જંગ શરૂ થયો છે. સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચેના સંકલન માટે જાણીતી ભાજપ કટકીની ભાગબટાઈમાં વેરવિખેર થઈ ગઈ છે. જેમાં કોર્પોરેશનમાં ચૂંટાયેલી પાંખ, શહેરની ચૂંટાયેલી પાંખ અને શહેર સંગઠનના જુના સભ્યો વચ્ચે રીતસરનો જંગ શરૂ થઈ ગયો છે. આ જંગમાં દરેક જુથ વિરોધીઓને પછાડી મોટું નુકશાન પહોંચાડવા માટે કમરકસી રહ્યો હોવાનું કહેવાય છે.

વડોદરાની લડાઈમાં પ્રદેશ નેતાગીરી પણ વિભાજિત 

વડોદરા શહેર ભાજપમાં જામેલી યાદવાસ્થળી નવી નથી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી શહેર ભાજપમાં ચાલતી લડાઈને લઈ પ્રદેશ મોવડી મંડળ પણ વિભાજીત થઈ ગયું છે. ખાસ કરીને પ્રદેશ સંગઠન અને સરકારમાં બેઠેલા મુખ્ય લોકો વડોદરાના જુદા જુદા નેતાઓને પોતાની નજીક બેસાડી ધાર્યું કરાવવાના પ્રયાસ કરતા હોય છે. ત્યારે આ સ્થિતિમાં વડોદરાની લડાઈ આગામી દિવસોમાં પ્રદેશ નેતાગીરી વચ્ચે પણ મનદુખ ઉભું કરે તો નવાઈ નહીં.