ગાંધીનગર-

ગુજરાતમાં સામાન્ય રીતે ચીફ સેક્રેટરીની પસંદગી ફાયનાન્સ અને હોમ ડિપાર્ટમેન્ટના હેડમાંથી કરવામાં આવતી હોય છે તેથી આ બન્ને વિભાગો સિનિયર મોસ્ટ આઇએએસ ઓફિસરો માટે હોટકેક જેવા બની જાય છે. સરકારના વહીવટી તંત્રના આ સર્વોચ્ચ પદ માટે જો ગુજરાત કેડરના કોઇ ઓફિસર ડેપ્યુટેશનથી પરત નહીં આવે તો ગુજરાત સરકારમાં ફરજ બજાવતાં સિનિયર મોસ્ટ એવાં બે ઓફિસરો મજબૂત દાવેદારી કરી શકે છે.

મળતી માહિતી મુજબ ફાયનાન્સ ડિપાર્ટમેન્ટમાં તો પંકજ જોષી અધિક મુખ્યસચિવ પદે કાર્યરત છે પરંતુ તેમના કરતાં સિનિયર આઇએએસ અધિકારી એવા પંકજકુમાર અને રાજીવકુમાર ગુપ્તાની નજરમાં ગૃહ વિભાગનું સર્વોચ્ચ પદ છે. આ વિભાગમાં હાલ સંગીતાસિંઘ ફરજ બજાવી રહ્યાં છે પરંતુ તેઓ ઓક્ટોબર 2020માં વયનિવૃત્ત થાય છે તેથી આ પદ પર આ બન્ને ઓફિસરો દાવેદાર બન્યાં છે. 

રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકીમ ગયા ઓગષ્ટ મહિનામાં વયનિવૃત્ત થયા હતા પરંતુ તે પહેલાં રાજ્ય સરકારની ભલામણ પ્રમાણે તેમને કેન્દ્ર તરફથી છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. તેઓ આ પદ પર ફેબ્રુઆરી 2021 સુધી કાર્યરત છે તેથી ચીફ સેક્રેટરીના અનુગામીની પસંદગી તેમની વયનિવૃત્તિના આખરી મહિનાના અંતમાં કરવામાં આવશે. 

સચિવાલયના સૂત્રોએ કહ્યું હતું કે આ પહેલાં રાજ્ય સરકારે બે અધિકારીઓને ફાયનાન્સ અને હોમ ડિપાર્ટમેન્ટના પદ પર મૂકવા પડે કે જેઓ ચીફ સેક્રેટરીના દાવેદાર બની શકે. ઉપરથી એટલે કે દિલ્હીથી બીજા કોઇ ઓફિસર ગુજરાતમાં આવીને ચીફ સેક્રેટરી બનવાના ચાન્સિસ પણ એટલા જ છે. જો પંકજકુમાર અને રાજીવકુમાર ગુપ્તાને સાઇડટ્રેક કરવાના થાય તો દિલ્હી ડેપ્યુટેશન પર ગયેલા ગુરૂપ્રસાદ મહાપાત્ર ગુજરાત આવી શકે છે. 

ઓક્ટોબરમાં ખાલી થનારા હોમ વિભાગના અધિક મુખ્યસચિવના પદ પર હાલના વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્યસચિવ રાજીવકુમાર ગુપ્તા દાવેદાર છે. તેમની જેમ જ મહેસૂલ વિભાગના અધિક મુખ્યસચિવ પંકજકુમાર પણ એટલા જ દાવેદાર છે. ચીફ સેક્રેટરીના પદ માટે આ બન્ને ઓફિસરો વચ્ચે ફરીથી સ્પર્ધાત્મકતા જોવા મળી રહી છે.