વિરપુર, તા.૨૩ 

મહિસાગર જિલ્લાના વિરપુર નગરની સ્ટેટ હાઇવેની સ્ટ્રીટલાઇટ ધોળા દાડે પણ ચાલું રાખતાં સ્થાનિક તંત્રની બેદરકારી જાવાં મળી છે. છેલ્લાં કેટલાંક દિવસોથી સ્ટેટ હાઇવેની સ્ટ્રીટલાઇટ સવારે દસ વાગ્યા સુધી ચાલું જ રાખવામાં આવે છે. સ્ટ્રીટલાઇટ બંધ કરવા માટે કર્મચારીની નિમણૂક કરી હોવા છતાં કર્મચારીની આળસના કારણે સવારના દસ વાગ્યા સુધી ચાલું રહે છે, જેનો આર્થિક બોજ પ્રજા પર પડી રહ્યો છે. બીજી તરફ વિરપુર નગરની મોટા ભાગની શેરીઓમાં સ્ટ્રીટલાઇટની જરૂર હોવા છતાં ત્યાં લાઇટની સુવિધા નથી અને સ્ટેટ હાઇવેની લાઇટો ધોળા દહાડે ઝગમગતી રહે છે. લાઇટબિલ તો આખરે પ્રજાનાં વેરામાંથી ભરપાઈ કરવામાં આવે છે. સ્થાનિક પંચાયતની આવી બેદરકારીના કારણે પ્રજાનાં રૂપિયાનો ખોટો વેડફાટ થઈ રહ્યો છે, જે બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી લોકો કરી રહ્યાં છે.

સ્ટ્રીટલાઇટ ચાલું-બંધ કરવાનું ટાઇમર બગડી ગયું છે!

વિરપુરના તલાટી કમ મંત્રીનું કહેવું છે કે, વિરપુર મેઇન રોડ વરધરા પુલથી મુકેશ્વર મંદિર સુધીની સ્ટ્રીટલાઈટનું માર્ગ મકાન ખાતાના કોન્ટ્રેક્ટરે કામ કરેલું છે. લાઇટ ચાલું બંધ કરવા માટેનું ટાઇમર લગાવેલું છે, તે ખરાબ થઈ ગયું છે. કોન્ટ્રેક્ટરને બીજું ટાઇમર ફિટ કરવાની સૂચના આપી છે.