ગાંધીનગર-

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગઈકાલે 27 ઓગષ્ટના રોજ ગાંધીનગર ખાતે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા યોજાયેલી ધર્મસભામાં મોટું નિવેદન આપ્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે દેશમાં હિંદુઓની બહુમતિ છે ત્યાં સુધી કાયદો અને બંધારણ ટકેલા છે. હિંદુઓની બહુમતિ છે એટલે જ બિનસાંપ્રદાયિકતાની વાત કરશે, જો હિંદુઓની સંખ્યા ઘટી, બીજા લોકો વધ્યા તો બધું પૂર્ણ થઇ જશે.દેશમાં કોઇ કોર્ટ કચેરી કે બંધારણનું અસ્તિત્વ નહીં રહે.દેશની બિનસાંપ્રદાયિકતા જોખમમાં મુકાશે અને બધું બધુ દફન થઇ જશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોતાના ઉક્ત નિવેદન અંગે સ્પષ્ટતા કરી હતી. નીતિન પટેલે સ્પષ્ટતા કરી છે તેમનો કહેવાનો સંદર્ભ હાલની પરિસ્થિતિ છે તેમણે કહ્યું હતું દુનિયામાં જે ચિત્ર ઉપસી રહ્યું છે તે જોઈને અનેક લોકો પણ તેમના એ નિવેદન સાથે સંમત થશે. તેમણે તાલીબાનનું ઉદાહરણ આપતા કહ્યું કે કેવી રીતે ત્યાં તાલીબાનનું શાસન આવતા જ મહિલાઓની સ્વતંત્રતા સહીત બધું જ છીનવાઈ ગયું. નીતિન પટેલે કહ્યું કે આ માટે મેં કહ્યું હતું કે હિંદુઓની બહુમતી દેશ માટે, બંધારણ માટે, લોકશાહી માટે અને ન્યાયપ્રણાલી માટે જરૂરી છે. જયારે દેશમાં હિંદુઓની બહુમતી નહીં હોય ત્યારે આપણા દેશમાં પરિસ્થિતિ કેવી હશે ? તેમણે કહ્યું કે જે લોકો ભણેલા અને જાણકાર છે અને થોડું અલગ વિચારે છે અને અલગ અલગ વિષયો પર પૂરી દુનિયાની સ્થિતિ જે લોકો જોઈ રહ્યાં છે, તે બધા જ જાને છે કે દુનિયાના અલગ અલગ દેશોમાં કેવી પરિસ્થિતિ છે. ઈરાન, ઈરાકમાં શું થયું, સીરીયામાં શું થઇ રહ્યું છે, લીબિયામાં શું થયું, આફ્રિકન દેશોમાં શું થઇ રહ્યું છે, અફધાનિસ્તાનમાં શું થયું એ બધા જ લોકો જાણે છે.