અમદાવાદ-

ગુજરાત યુનિવર્સિટીમાં લૉનો અભ્યાસ કરતા વિધાર્થીઓ માટે માત્ર ઓફલાઈન પરીક્ષાનો જ વિકલ્પ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવ્યો છે. જેને લઈને લૉનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ કરવામાં આવે અથવા તો તેને ઓનલાઈન પરીક્ષા લેવામાં આવે તે માટે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે ગુજરાત યુનિવર્સિટી અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને નોટિસ પાઠવીને 7 જૂન સુધી જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે.

આજે હાઇકોર્ટમા લૉના વિદ્યાર્થીઓ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે કોરોના મહામારીમાં ઓફલાઈન પરીક્ષા લેવામાં આવે તો તેમાં સંક્રમણ ફેલાવાનો ભય છે. સાથે તેઓએ આ પરીક્ષા રદ થાય તે માટે પણ રજૂઆત કરી હતી.ત્યારે હાઇકોર્ટે આ બાબતે આજે સુનાવણી હાથ ધરી હતી જેમાં કોર્ટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ગુજરાત યુનિવર્સિટીને નોટિસ પાઠવી છે. જેમાં તેઓ પરીક્ષા કેમ રદ ન કરી શકે તે અંગેનો ખુલાસો પણ માંગવામાં આવ્યો છે. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને ગુજરાત યુનિવર્સિટીને પરીક્ષાના આયોજનની તમામ વિગતો સાથે હાઈકોર્ટ સમક્ષ હાજર રહેવા જણાવવામાં આવ્યું હતું જેમાં હાઇકોર્ટ એ 7 જૂન સુધીનો જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે. આ પરીક્ષા 10 જૂને લેવામાં આવનારી છે. એટલે 7 જૂને હાઇકોર્ટમાં ગુજરાત યુનિવર્સિટી અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જવાબ રજૂ કરે. ત્યારબાદ આ પરીક્ષા અંગે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

કોરોનાને કારણે ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારબાદ પરીક્ષા ઓનલાઇન શરૂ કરવામાં આવી હતી. ત્યારે હવે કોરોનાના કેસ નિયંત્રણમાં આવતા ગુજરાત યુનિવર્સિટીમાં લૉ વિભાગે આગામી 10 જૂનથી લૉ વિભાગની પરીક્ષા ઑફલાઈન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ મોકૂફ રખાયેલી ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં લૉ વિભાગની પરીક્ષા બાર કાઉન્સિલરના નિયમોનુસાર ઓફલાઈન પદ્ધતિથી શરૂ કરવામાં આવશે. જેમાં LLB સેમેસ્ટર 2, 4, 6, 5 વર્ષના ઇન્ટરગ્રેટડ લૉના સેમેસ્ટર 2 અને 10ની LLM, DTP, DLPની પરીક્ષા 10 જૂનથી શરૂ થશે. 5 વર્ષના ઇન્ટર ગ્રેટડ લૉ ની પરીક્ષા સેમેસ્ટર 4, 6, 8ની પરીક્ષા 24 જૂનથી શરૂ થશે.