દિલ્હી-

દેશમાં એક તરફ જ્યાં કોરોનાની બીજી લહેરની ઝડપ ઓછી થતી જાેવા મળી રહી છે. તો કેટલાક રાજ્યોમાં કોરોનાના વધતા કેસોથી સરકારની ચિંતા પણ વધી છે. દેશના ૮ રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, જેને જાેતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આ તમામ રાજ્યોને પત્ર લખીને કોવિડ નિયંત્રણના ઉપાયોને મજબૂત કરવા કહેવામાં આવ્યું છે. આ રાજ્યોમાં તપાસ અને રસીકરણમાં ઝડપ લાવવા, સ્વાસ્થ્ય સંબંધિત પાયાના માળખાની યોજના બનાવવા અને વધતા કેસોને રોકવા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા સંબધિત નિર્દેશ આપવામાં આવ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, કેરળ, મેઘાલય, ઓરિસ્સા, ત્રિપુરા અને સિક્કમની રાજ્ય સરકારોને પત્ર લખીને અનેક પગલાઓ ઉઠાવવા માટે કહેવામાં આવ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, વાયરસના પ્રસારને રોકવા માટે સામૂહિક પ્રયત્નો મજબૂત કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, અરુણાચલ પ્રદેશમાં આ ચિંતાનો વિષય છે કે રાજ્યમાં અઠવાડિયાનો સંક્રમણ દર ૧૬.૨ ટકા (૨૮ જૂન-૪ જુલાઈ) છે, જે સતત ૪ અઠવાડિયાથી વધી રહ્યો છે.

રાજેશ ભૂષણે કહ્યું કે, ૨૫ જિલ્લામાંથી ૧૯માં ૧૦ ટકાથી વધારે સંક્રમણ દર નોંધાઈ રહ્યો છે, જે મુશ્કેલીનું કારણ બની રહ્યું છે. રાજ્યમાં છેલ્લા ૪ અઠવાડિયામાં નોંધાયેલા કેસોની સંખ્યામાં લગભગ ૧૨ ટકાનો વધારો જાેવા મળ્યો છે. ૧૨ જિલ્લામાં છેલ્લા ૪ અઠવાડિયામાં નવા કેસોની સંખ્યામાં વધારો થયો છે. આસામને લઇને તેમણે કહ્યું કે, નવા કેસોમાં ઘટાડો જાેવા મળ્યો છે, પરંતુ ૩૩ જિલ્લામાંથી ૪માં છેલ્લા ૪ અઠવાડિયામાં આંકડાઓમાં વધારો જાેવા મળ્યો છે અને ૪ જુલાઈના અઠવાડિયાના અંત સુધીમાં ૨૯ જિલ્લામાં ૧૦૦થી વધારે નવા કેસ આવ્યા છે.

મણિપુરને લઇને તેમણે કહ્યું કે, ૧૬માંથી ૨ જિલ્લાઓમાં ૪ અઠવાડિયાથી કેસની સંખ્યા વધી રહી છે. કેરળમાં નવા કેસોની સંખ્યામાં ઘટાડો જાેવા મળી રહ્યો છે, પરંતુ તેના ૧૪ જિલ્લામાંથી ૨ જિલ્લામાં ૪ અઠવાડિયામાં આંકડાઓમાં વધારો જાેવા મળી રહ્યો છે. મેઘાલયમાં સાપ્તાહિક સંક્રમણ દર ૧૪.૦૫ ટકા નોંધાઈ રહ્યો છે અને તેના ૧૧ જિલ્લામાંથી ૮ જિલ્લામાં ૧૦ ટકાથી વધારે સંક્રમણ દર નોંધાઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે ઓરિસ્સાના ૩ જિલ્લાઓમાં ૨૮ જૂનથી ૪ જુલાઈ સુધી અઠવાડિયાના સંક્રમણ દર ૧૦ ટકાથી વધારે નોંધાયો છે.