દિલ્હી-

પોતાને બિનરાજકીય ગણાવનારા ખેડૂત નેતાઓ હવે ખુલીને પોલિટિક્સના મેદાનમાં ઉતરી આવ્યા છે. આ નેતાઓ ભલે ચૂંટણી ન લડી રહ્યા હોય પરંતુ બંગાળના રાજકીય અખાડામાં પ્રચાર માટે જરૂર ઉતરી આવ્યા છે અને લોકોને ભાજપ વિરૂદ્ધ મતદાન માટે અપીલ કરી રહ્યા છે. ખેડૂત નેતાઓના કહેવા પ્રમાણે ભાજપનો બહિષ્કાર કરીને સરકારનું ઘમંડ તોડવામાં આવે.

વિવિધ ખેડૂત સંઘોના સંગઠન સંયુક્ત ખેડૂત મોરચા (એસકેએમ)એ શુક્રવારે પશ્ચિમ બંગાળના ખેડૂતો અને અન્ય લોકોને આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મત ન આપવા માટે વિનંતી કરી હતી. સંયુક્ત ખેડૂત મોરચાના કહેવા પ્રમાણે ચૂંટણીમાં મળનારી હાર કેન્દ્રની ભાજપાશાસીત સરકારને ત્રણેય નવા કૃષિ કાયદા પાછા લેવા મજબૂર કરશે. એસકેએમ નેતા યોગેન્દ્ર યાદવે જણાવ્યું કે, 'અમે કોઈ પાર્ટીનું સમર્થન નથી કરી રહ્યા કે લોકોને તેઓ કોને મત આપે તેમ નથી કહી રહ્યા પરંતુ અમારી એકમાત્ર વિનંતી એ છે કે ભાજપને પાઠ ભણાવવામાં આવે.'

બંગાળ પહોંચેલા ખેડૂત નેતા ૨૯૪ વિધાનસભા ક્ષેત્રોમાં પોતાના દૂતોના માધ્યમથી લોકોનો સંપર્ક કરશે અને ટ્રેક્ટર યાત્રા કરશે. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત શનિવારે કોલકાતા અને નંદીગ્રામ ખાતે મહાપંચાયત અને રેલીઓને સંબોધિત કરી લોકોને ભાજપ વિરૂદ્ધ મતદાન માટે વિનંતી કરશે.

બંગાળ હવે ખેડૂત નેતાઓનું નવું સરનામુ બની ગયું છે. હાલ ૫ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે પરંતુ ખેડૂત નેતાઓ બંગાળ પર ફોકસ કરી રહ્યા છે જ્યાં ભાજપ ટીએમસીને મજબૂત ટક્કર આપતું જણાઈ રહ્યું છે. આ સંજાેગોમાં ખેડૂત નેતાઓ અન્ય રાજ્યમાં શા માટે નથી જઈ રહ્યા, જ્યારે તમિલનાડુ, કેરળ અને આસામમાં તો ખૂબ ખેતી થાય છે તે એક સવાલ છે.