અમદાવાદ-

રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ અને આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરેએ સોમવારે મોડી રાત્રે અમદાવાદ મેડિસિટીમાં કૉવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. વોર્ડમાં જઈને આ બંને અધિકારીઓ કોરોનાના દર્દીઓને વ્યક્તિગત મળ્યા હતા અને તેમને મળી રહેલી સારવાર અંગે પૂછપરછ કરી હતી. આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ કોરોના વૉર્ડની મુલાકાત પછી, ડોક્ટરો-પેરામેડિકલ સ્ટાફ વગેરેને મળ્યા પછી કહ્યું હતું કે, છેલ્લા એક વર્ષ કરતાં વધારે સમયથી મેડિકલ-પેરામેડિકલ કર્મીઓ રાત-દિવસ જોયા વિના અદ્ભુત કામ કરી રહ્યા છે. આવા સમયે ગુજરાતની હોસ્પિટલોમાં કામ કરતા આરોગ્ય કર્મીઓનું મનોબળ અને જુસ્સો જળવાઈ રહે એ જરૂરી છે. હોસ્પિટલોમાં પથારીઓ, ઓક્સિજન અને વેન્ટિલેટર જેવી વ્યવસ્થાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે.દર્દીઓમાં ઓક્સિજન લેવલ વધારી શકાય તે અંગેની માર્ગદર્શિકાઓ વિશે તેમણે તબીબો સાથે પરામર્શ કર્યો હતો. વર્તમાન સમયમાં ઓક્સિજન બહુમૂલ્ય પ્રાણવાયુ છે, એ વેડફાય નહીં તે માટે તેમણે આરોગ્યકર્મીઓને સંવેદનશીલતાપૂર્વક ફરજ બજાવવા અનુરોધ કર્યો હતો. તેમણે ડૉક્ટર્સ,નર્સ, વર્ગ-૩ અને વર્ગ-૪ ના તમામ કર્મીઓની સેવાની પ્રશંસા કરીને સહુને પ્રોત્સાહન આપ્યું હતું.