વડોદરા : શહેરની કુખ્યાત બિચ્છુ ગેંગની મદદથી પ્રતાનગર વિસ્તારમાં વૃધ્ધ એનઆરઆઈએ બુક કરેલા બે ફ્લેટનો બોગસ દસ્તાવેજથી કબજાે પચાવી પાડ્યા બાદ ખુદ ફ્લેટ માલિક વૃધ્ધ એનઆરઆઈ સામે જ ગુનો નોંધી તેમની ધરપકડ કરવાના વિવાદાસ્પદ બનાવમાં એનઆરઆઈ વૃધ્ધે પોલીસ કમિશ્નરને અરજી કરવા સાથે હાઈકોર્ટમાં પણ દાદ માંગી હતી જેમાં હાઈકોર્ટે હાલમાં વૃધ્ધની અટકાયત તેમજ હાઈકોર્ટની પુર્વમંજુરી વિના આ ફરિયાદની ચાર્જશીટ નહી મુકવા આદેશ કર્યો છે. જાેકે આ કેસમાં એનઆરઆઈ વૃધ્ધે ગત સાલ વાડી પોલીસ મથકમાં આરટીઆઈ કરી હતી પરંતું તેનો વાડી પોલીસે કોઈ જ જવાબ નહી આપતા આ બનાવમાં વાડી પોલીસની ભુમિકા શંકાના ઘેરામાં આવી છે.

મુળ વડોદરાના તરસાલી વિસ્તારના વતની ૮૦ વર્ષીય વસીમભાઈ તોરબાઅલી ઉર્ફ જાપાનવાલા લાંબા સમયથી જાપાનમાં રહે છે. તેમણે પ્રતાપનગર વિસ્તારમાં રાફિયા પાર્કમાં બે ફ્લેટ વેંચાણ દસ્તાવેજથી ખરીદયા હતા પરંતું બિલ્ડર તેમને ફ્લેટનો કબજાે આપતો નહી આપતો હોવાની જાણ થતાં બિચ્છુ ગેંગ સાથે સંકળાયેલા રજબઅલી ઉર્ફ જગુ શેખે તેમને ફ્લેટનો કબજાે અપાવી દેવા માટે તેમની પાસેથી પાવર ઓફ એટર્નીની માગણી કરી હતી.

વસીમભાઈ તૈયાર થતાં જગુ તેમજ બિચ્છુ ગેંગના અસલમ બોડિયા અને મુન્ના તડબુચ સહિતની ટોળકીએ વસીમભાઈ ગુજરાતી ભાષા જાણતા નહી હોવાનો ગેરલાભ લઈ તેમની પાસેથી સેલ ડીડ લખાવી લીધુ હતું. એક તબક્કે વસીમભાઈને શંકા જતા તેમણે સહી કરવાનો ઈનકાર કરતા જગુએ ઉશ્કેરાઈને એવી ધમકી આપી સહીઓ કરાવી હતી કે તમે સહી નહી કરો તો તે આ મકાનમાંથી જવા નહી દે. ત્યારબાદ ટોળકીએ આ સેલ ડીડથી બોગસ દસ્તાવેજાે બનાવી બંને ફ્લેટ પચાવી પાડી તેનું વેચાણ પણ કરી ઠગાઈ કરી છે. આ સમગ્ર બનાવની વસીમભાઈએ ગત જુન-૨૦૧૮માં વાડી પોલીસ મથકમાં અરજી કરી હતી પરંતું પોલીસે જગુની ફરિયાદના આધારે વસીમભાઈ સામે ગુનો નોંધી તેમની ધરપકડ

પણ કરી હતી.

આ સમગ્ર બનાવની વસીમભાઈએ શહેર પોલીસ કમિશ્નરને લેખિત ફરિયાદ કરતા તેની તપાસ માટે આદેશ કરાયા હોવાની વિગતો સાંપડી છે. પોલીસ અને બિચ્છુ ગેંગની મિલીભગતથી પોતે એક કરોડથી વધુના ફ્લેટ ગુમાવ્યા હોવાની રાવ સાથે તેમણે હાઈકોર્ટમાં દાદ માંગી હતી જેમાં હાઈકોર્ટે પણ પોલીસને દિશાનિર્દેશ કર્યા છે કે કાયદા મુજબ ફરિયાદની તપાસ ભલે ચાલુ રહે પરંતુ તે અરજદાર સામે બળજબરીથી કોઈ પ્રક્રિયા કરવામાં ના આવે તેમજ તપાસ અધિકારી કોર્ટની પુર્વમંજુરી વિના આ કેસની ચાર્જશીટ પણ દાખલ ના કરે.

હાઈકોર્ટના આ દિશાનિર્દેશથી વાડી પોલીસ માટે સાપે છછુંદર ગળ્યા જેવી હાલત થઈ છે. એટલું જ નહી આ સમગ્ર બનાવમાં એવી પણ ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે કે વસીમભાઈએ વાડી પોલીસ મથકમાં ગત ૭-૧-૨૦૨૦ના રોજ આરટીઆઈ કરી હતી જેમાં માગણી કરી હતી કે બે વાડી પોલીસ મથકમાં સોંગદ ખાઈને બે નિવેદન આપ્યા હતા તો તે નિવેદનોમાં પોલીસે શું કાર્યવાહી કરી છે અને મને મારા સોગંદનામાની વિગતો અને કોપીની જરૂર છે. જાેકે વાડી પોલીસે એક વર્ષથી વધુ સમય વિતી જવા છતાં આ આરટીઆઈનો જવાબ આપ્યો નથી. પોલીસની આ કાર્યવાહીએ ખુદ વાડી પોલીસ સામે અનેક સવાલો ઉભા કર્યા છે.

બિચ્છુગેંગ કોના પીઠબળથી બેફામ બની તેની પણ તપાસ જરૂરી

વૃધ્ધ એનઆરઆઈને ધાકધમકી આપીને સહી કરાવી લીધેલા દસ્તાવેજાેના આધારે એક કરોડથી વધુના બે ફ્લેટ પચાવી પાડનાર બિચ્છુ ગેંગનો સફાય કરવા માટે નવનિયુક્ત પોલીસ કમિશ્નરે હિમ્મતભેર બિડુ ઝડપ્યુ છે. જાેકે આ બનાવમાં વાડી પોલીસની જે રીતે ભુમિકા રહી છે તે જાેતા ખુદ પોલીસ જ બિચ્છુ ગેંગની તરફેણ કરી હોય તેવું ચિત્ર હાલમં ઉપસી રહ્યુ છે. જાેકે બિચ્છુ ગેંગનો ખાતમો તો જરૂરી છે જ પરંતું તે કોના પીઠબળથી શહેરમાં બેફામ બની તે દિશામાં પોલીસ પ્રામાણીક તપાસ કરશે તો ખુદ શહેરના જ કેટલાક પોલીસ અધિકારીઓની પણ સંડોવણી સપાટી પર આવે તો નવાઈ નહી તેમ સુત્રોએ જણાવ્યું છે.