હૈદરાબાદ-

પુડુચેરીના ઉપરાજ્યપાલ પદેથી એટલે કે લેફ્ટનન્ટ ગવર્નરના હોદ્દા પરથી કિરણબેદીને હટાવી દેવાયા છે. મંગળવારે મોડી સાંજે આ પ્રકારની સૂચના રાષ્ટ્રપતિભવન દ્વારા આપવામાં આવી હતી. તેમના સ્થાને હવે આ કાર્યભારનો વધારાનો હવાલો તેલંગણના રાજ્યપાલ તમીલીસાઈ સુંદરરાજનને સોંપી દેવાયો છે. લાંબો સમયથી રાજ્યના મુખ્યમંત્રી વી નારાયણસામી અને કિરણ બેદી વચ્ચે મતભેદો ચાલી રહ્યા હતા તેને પગલે તેમને હોદ્દા પરથી દૂર કરાયા હોવાનું મનાય છે. 

મંગળવારે રાજ્યમાં કોંગ્રેસના એક ધારાસભ્ય દ્વારા રાજીનામું આપી દેવાયાને પગલે સરકાર અલ્પમતમાં આવી પડી હતી. આ પહેલા મુખ્યમંત્રી નારાયણસામીએ રાષ્ટ્રપતિ કોવિંદને મળીને તેમને એક આવેદન આપીને કિરણ બેદીને રાજ્યપાલના પદેથી હટાવી લેવાય એવી માંગ કરી હતી. તેમણે પોતાની એવી માંગ પાછળનું કારણ એમ કહ્યું હતું કે, બેદી ખૂબ જ આપખુદ રીતે નિર્ણયો લે છે, જે કાયદાની જોગવાઈ અને બંધારણને સુસંગત નથી. 2016માં બેદીને ઉપરાજ્યપાલ બનાવાયા ત્યારથી જ મુખ્યમંત્રી સાથે તેમને મતભેદો ચાલી રહ્યા હતા અને નારાયણસામીએ આક્ષેપો કર્યા હતા કે બેદી રાજ્યમાં મુખ્યમંત્રીને જે આર્થિક સત્તા સોંપાવી જોઈએ તે આપવામાં નાકામ રહ્યા છે.