વડોદરા, તા.૨૭ 

બે સંતાનોની માતા વિધવા બન્યા બાદ બીજવર સાથે લગ્ન કરી નવજીવન શરૂ કરતાં બે પુત્રો પૈકી નાનો પુત્ર માતાને છોડીને જતો રહ્યો હતો, જેનો આજદિન સુધી અતોપતો નથી. જ્યારે મોટો પુત્ર નાનપણથી જ મામાને ત્યાં રહેતો હતો. માતાના બીજા લગ્નથી નારાજ રપ વર્ષીય મોટા પુત્રએ ખેતરમાં કામ કરતી વખતે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ વાઘોડિયા તાલુકાના કામરોલ ગામે નવીનગરીમાં મામા મનહરભાઈ રાઠોડને ત્યાં ગોવિંદ ઉર્ફે ગલો કાનજી રાઠોડ (ઉં.વ.રપ) રહેતો હતો. ગોવિંદ ઉર્ફે ગલા રાઠોડ અને તેના નાના ભાઈએ પિતાની છત્રછાયા ગુમાવી દેતાં માતા વિધવા બની હતી. જાે કે ગોવિંદ ઉર્ફે ગલો રાઠોડ નાનપણથી જ મામા મનહરભાઈ રાઠોડને ત્યાં રહેતો હતો, જ્યારે તેનો નાનો ભાઈ વિધવા માતા સાથે રહેતો હતો. માતાએ બીજવર સાથે લગ્ન કરી નવજીવન શરૂ કરતાં માતાના આ નિર્ણયથી નારાજ નાનો પુત્ર માતાને છોડીને ક્યાંક જતો રહ્યો હતો, જેનો આજદિન સુધી કોઈ અતોપતો નથી.

જ્યારે બીજી તરફ મામાને ત્યાં રહીને ખેતમજૂરી કામ કરી જીવન ગુજારતો મોટો પુત્ર ગોવિંદ ઉર્ફે ગલા રાઠોડ પણ માતાના નિર્ણયથી નારાજ હતો. આ ઉપરાંત ઉંમર વધવા સાથે લગ્નમાં વિલંબ થતાં તે માનસિક તાણ અનુભવતો હતો, જેના કારણે તે માનસિક ડિપ્રેશનમાં આવી જતાં તેમજ માતાના અન્ય લગ્નના નિર્ણયથી નારાજ મોટા પુત્રએ ખેતરમાં ઝેરી દવા પી લેતાં તેને અર્ધબેભાન હાલતમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તેનંુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આપઘાતના બનાવની જાણ વાઘોડિયા પોલીસ મથકને કરવામાં આવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.