આણંદ : સગાંવાદને લઈને નિયમો તો બનાવ્યાં, પણ એ નિયમો પાળવામાં આવ્યાં છે ખરાં? આવો સવાલ આણંદના ભાજપના જ કાર્યકરો દ્વારા ઊઠાવવામાં આવ્યો છે. એવું પૂછાઈ રહ્યું છે કે, પત્ની, ભાભી, ભાણેજના પત્ની સગાં ન કહેવાય?

એક આક્ષેપ એવો પણ છે કે, જિલ્લાના એક સૌથી મોટા નેતાના દીકરીનાં વેવિશાળમાં નજીકનાં સગાંને ભાજપનું મેન્ડેટ ફાળવાયું છે. અહીંથી ગત ટર્મથી જીતતા હરેકૃષ્ણ પટેલ (એચકે)ને અન્યાય કરવામાં આવ્યો હોવાની લાગણી સ્થાનિકોમાં વ્યાપી છે. જંત્રાલ જિલ્લા પંચાયત સીટ ઉપર જિલ્લા મહામંત્રી રમણભાઈ સોલંકીનાં ભાભી વિમળાબેન સોલંકીને મેન્ડેટ ફાળવાયું છે. પરિવારવાદનો આક્ષેપ કરતાં સ્થાનિક કાર્યકરોનું કહેવું છે કે, પહેલાં રમણભાઈ સોલંકી પછી તેમનાં પત્ની નયનાબેન સોલંકી અને હવે ભાભી વિમળાબેન સોલંકીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સામાન્ય કાર્યકર સાથે હળહળતો અન્યાય કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ થયાં છે. આ ઉપરાંત ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના ભાણેજનાં પત્ની હેતલબેન શક્તિસિંહ પરમારને ભાજપે મેન્ડેટ ફાળવ્યુું છે. દાઓલ જિલ્લા પંચાયત સીટ ઉપર ત્રણ ટર્મથી ચૂંટતાં પ્રતાપસિંહ ગોહિલની જગ્યાએ તેમનાં પત્ની રોહિણીબેન ગોહિલને મેન્ડેટ ફાળવાયું છે. જિલ્લા કોષાધ્યક્ષને પેટલાદ તાલુકા પંચાયતની બેઠક ઉપર મેન્ડેટ ફળવાયું છે. આણંદ તાલુકા ટીમમાંથી પાર્ટી હોદ્દેદરમાંથી રાજીનામું આપનાર નિલેશ પટેલને ગાના તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર બનવવામાં આવ્યા છે, જ્યારે આણંદ શહેર મંત્રી રાજેશ પઢીયારે રાજીનામું આપતા તેમનાં પત્ની સુમિત્રાબેન પઢીયારને મેન્ડેટ ફાળવાયું છે.

ભાજપ ઉપપ્રમુખ યોગેશભાઈ પટેલ (બાપજી)ના હાર્ટ કિલર ગ્રૂપના કેટલાંક સભ્યોની પણ ચૂંટણી ઉમેદવારીમાં પસંદગી થઈ હોવાની ચર્ચા પણ ટોક ઓફ ધ ટાઉન છે.