મુંબઈ:  

ડ્રગ્સ કેસમાં કોમેડિયન ભારતી સિંહ અને તેના રાઈટર-એક્ટર પતિ હર્ષ લિંબાચિયાના જામીન રદ્દ કરવા માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ સ્પેશિયલ NDPS કોર્ટમાં રજૂઆત કરી છે. ઉપરાંત નીચલી અદાલતના આદેશને ફગાવીને ભારતી અને હર્ષને કસ્ટડીમાં રાખીને તેમની પૂછપરછ કરવા દેવાની પણ મંજૂરી કોર્ટ સમક્ષ માગી છે. આ મામલે કોર્ટે મંગળવારે ભારતી અને હર્ષને નોટિસ મોકલી છે. આગામી અઠવાડિયે આ મામલે સુનાવણી થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, 21 નવેમ્બરના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. જ્યાંથી તેમને કુલ 86.5 ગ્રામ ગાંજો અને 1.49 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. કલાકોની પૂછપરછ બાદ 21 નવેમ્બરે સાંજે ભારતી સિંહની ધરપકડ થઈ હતી. જ્યારે 22 નવેમ્બરે વહેલી સવારે હર્ષ લિંબાચિયાની ધરપકડ થઈ હતી. જો કે, 23 નવેમ્બરે 15,000 રૂપિયાના બોન્ડ પર કોર્ટે ભારતી અને હર્ષને જામીન આપ્યા હતા. 

જણાવી દઈએ કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ અગાઉ કોર્ટ પાસે ભારતીની જ્યૂડિશિયલ કસ્ટડી અને હર્ષના રિમાન્ડ માગ્યા હતા. પરંતુ કોર્ટે બંનેને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. કોર્ટનું કહેવું હતું કે, ભારતી અને હર્ષ પાસેથી મળેલા ગાંજાની માત્રા ખૂબ ઓછી છે. આ કેસ ડ્રગ્સના ઉપયોગનો છે માટે પોલીસ કસ્ટડીની જરૂર નથી. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, જે કલમો હેઠળ બંનેની ધરપકડ કરાઈ છે તેમાં માત્ર એક વર્ષની સજાની જોગવાઈ છે, માટે રિમાન્ડ જરૂરી નથી.