અમદાવાદ-

દેશભરમાં કોરોનાના કેસો વધતાં 6 મહિના પહેલાં એટલે કે 16 માર્ચથી મલ્ટિપ્લેક્સ - થિયેટરો બંધ કરી દેવામાં આવ્યાં હતાં. લોકડાઉન અને અનલોક 4 બાદ પણ હજી મલ્ટિપ્લેક્સ - થિયેટરો બંધ છે, ત્યારે આગામી અનલોક -5 માં મલ્ટિપ્લેક્સ થિયેટરો ખૂલવાની સંભાવના છે .

કેન્દ્ર સરકાર ગાઈડલાઈન્સ મુજબ મલ્ટિપ્લેક્સ થિયેટરો ખૂલવાની મંજૂરી આપે તો એમાં જૂના જમાનાની ક્લાસિક ફિમ્સ જોવા મળશે. હાલ કરોડોનું નુકસાન ભોગવી રહેલા થિયેટરમાલિકોને અક્ષયકુમાર ની ‘ સૂર્યવંશી ’ અને 1983 ના વર્લ્ડકપ પર આધારિત ‘ 83 ' અને આમિર ખાનની ‘ લાલ સિંહ ચડ્ડા ’ સહિત અંદાજે 12 મોટી ફિમ્સ એવી છે , જે સિનેમાઘરો ખૂલ્યાં બાદ રિલીઝ કરાય તો તગડો નફો કરાવી શકે એવી આશા છે. ત્યારે હાલ તો સંચાલકોના પ્રોપર્ટી ટેક્ષમાં રાહત મળે અને અનલૉક 5માં સરકાર મંજૂરી આપે તેવી આસ સેવીને બેઠા છે.

અમદાવાદ સહીત સમગ્ર ગુજરાતમાં છેલ્લા 6 મહિનાથી સિનેમા હોલ અને થીયેટર નિર્જીવ હાલતમાં પડેલા છે. અનલૉક માં મોટા ભાગના વેપાર ધંધા શરૂ થયા છે. પરંતુ મલ્ટિપ્લેક્સ માટે હજુ સરકારે લીલી ઝંડી આપી નથી. પરંતુ હવે આવનાર અનલૉક 5માં જો સરકાર મલ્ટિપ્લેક્સ ને મંજૂરી આપે તો સંચાલકોએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરીને થીએટર ખોલવા માટે તૈયારી દર્શાવી છે. જોકે છેલ્લા 6 મહિના દરમિયાન સંચાલકોને 600 કરોડ જેટલું નુકસાન થયું છે. જેમાં સૌથી વધુ 250 કરોડનું નુકસાન અમદાવાદ શહેરનાં મલ્ટિપ્લેક્સ - થિયેટરોને થયું છે.