નવી દિલ્હી 

BCCIના અધ્યક્ષ અને ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી ટૂંકમાં જ ભાજપમાં સામેલ થઈ શકે છે. રવિવારે ગાંગુલીએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત પછી એવું મનાય છે કે તેઓ રાજકારણમાં પ્રવેશી શકે છે.

12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જયંતી નિમિત્તે ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળ આવશે. આ દરમિયાન ગાંગુલી સહિત અનેક ભાજપમાં સામેલ થઈ શકે છે. શાહે કહ્યું હતું કે બંગાળનો ભૂમિપુત્ર જ આગામી સીએમ હશે, આથી તેવું મનાય છે કે તેઓ ગાંગુલીના સંદર્ભમાં આવું બોલ્યા હતા.

રાજકારણમાં દાદાના પ્રવેશ અંગેની અટકળો વચ્ચે, તૃણમૂલ કોંગ્રેસે કહ્યું હતું કે જો આવું થાય છે તો તે ખૂબ જ દુખદ હશે. જ્યારે ટીએમસી સાંસદ સૌગત રોયને સૌરવ ગાંગુલી રાજકારણમાં જોડાવાની અટકળો અંગે પૂછવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે જો તેઓ રાજકારણમાં આવે તો તેઓ ખુશ નહીં હોય. સૌગત રોયે કહ્યું કે સૌરવ ગાંગુલી તમામ બંગાળી લોકો માટે એક આઇકોન છે, કેમ કે તેઓ બંગાળના એકમાત્ર ક્રિકેટ કેપ્ટન છે. તે ટીવી શોઝને કારણે પણ પ્રખ્યાત છે. પરંતુ રાજકારણમાં તેમની કોઈ પૃષ્ઠભૂમિ નથી, તેથી ગાંગુલી અહીં ઉભા રહી શકશે નહીં.