વડોદરા, તા.૧૩ 

કોરોના મહામારીના કારણે લૉકડાઉન જાહેર કરાયું ત્યારથી કોર્પોેરેશન દ્વારા બંધ કરવામાં આવેલ કમાટીબાગ ઝૂને સાત મહિના બાદ આજે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની ગાઈડલાઈન મુજબ ખોલાવમાં આવ્યું હતું. સવારે અને સાંજે મર્યાદિત સમય માટે ખોલવામાં આવેલા ઝૂમાં પ્રથમ દિવસે ૧૨૦ સહેલાણીઓએ મુલાકાત લીધી હતી. આમ સહેલાણીઓની પાંખી હાજરી જાેવા મળી હતી.વડોદરાના કમાટીબાગ સ્થિત ઝૂ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર છે. કોર્પોેરેશને સાત મહિના સુધી બંધ રાખ્યા બાદ આજથી પ્રાણીસંગ્રહાલય ખોલવામાં આવ્યું હતું. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની ગાઈડલાઈન મુજબ ઝૂ ખોલાતાં પ્રથમ દિવસે સવારે બે કલાકમાં ૧૨ મોટા અને ૬ નાના મળીને ૧૮ સહેલાણીઓ અને સાંજે ૧૦૨ સાથે આજે પ્રથમ દિવસે ૧૨૦ સહેલાણીઓએ ઝૂની મુલાકાત લીધી હતી.

સામાન્ય દિવસોમાં ૮ કલાક ખૂલ્લું રહેતું ઝૂ કોરોનાને કારણે સવારે બે અને સાંજે ૧.પ કલાક મર્યાદિત સમય સુધી ખોલવાનું નક્કી કરાયું છે. પ્રાણીસંગ્રહાલયમાં એન્ટ્રી માસ્ક સાથે જ આપવામાં આવી રહી છે. જ્યારે સેનિટાઈઝેશનની સુવિધા પણ રાખવામાં આવી છે તેમજ સિંગલ પોઈન્ટ એન્ટ્રી અને એક્ઝિટ રાખવામાં આવી છે. પ્રાણીસંગ્રહાલયમાં જનજાગૃતિના પોસ્ટર્સ પણ લગાડવામાં આવ્યાં છે. કેવડિયા, અમદાવાદ અને રાજકોટ સહિતના પ્રાણીસંગ્રહાલયોમાં સહેલાણીઓની સંખ્યા ઘટી છે. ત્યારે વડોદરા ઝૂમાં પણ પ્રવાસીઓની સંખ્યા ઘટે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. કમાટીબાગ ઝૂમાં ૧૨૭૧ પશુ-પક્ષીઓ છે જે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે.