જામનગર-

આગામી દિવસોમાં રાજયની સાથે જામનગર શહેર – જિલ્લામાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ત્યારે જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ કરવામાં આવી છે. જે અનુસાર જામનગર શહેર – જિલ્લામાં વસતી પ્રમાણે ૧૦૦૦ પુરૂષ સામે ૯૪૧ મહિલા મતદારો નોંધાયા છે. મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમના અંતે ૨૭૭૧૮ નવા નામ ઉમેરાયા છે.

જામનગર ઉતર બેઠકમાં સૌથી વધુ ૨૪૬૪૯૧ મતદાર નોંધાયા છે. કોરોનાકાળ હોવા છતાં ગત વર્ષની સાપેક્ષમાં ૬૫૩૦ મતદારોની વધુ નોંધણી થઇ છે. સુધારણા કાર્યક્રમ દરમ્યાન ૧૮ થી ૧૯ વર્ષના ૧૪૩૯૬ મતદારો નોંધાતા આ મતદારો આગામી ચૂંટણીમાં પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરશે. અત્રે નોંધનીય છે કે, જામનગર જિલ્લામાં નોંધાયેલા કુલ ૧૧૫૮૨૯૧ મતદારો પૈકી તમામ મતદારો ફોટો ઓળખપત્ર સાથેનું મતદાર કાર્ડ ધરાવતા હોવાનું જિલ્લા કલેકટર રવિશંકરે જણાવ્યું હતું. જામનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર ૮૦ વર્ષથી વધુ વયના ૨૯૬૩૫ મતદાર નોંધાયા છે. જેમાં ૭૬ – કાલાવડ બેઠક પર ૭૯૯૭, ૭૭ – જામનગર ગ્રામ્યમાં ૫૬૬૬, ૭૮ – જામનગર ઉતરમાં ૪૫૨૫, ૭૯ – જામનગર દક્ષિણમાં ૫૦૬૨, ૮૦ – જામજાેઘપુરમાં ૬૩૮૫ મતદારનો સમાવેશ થાય છે. 

જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર જામજાેઘપુર વિધાનસભા બેઠક પર સૌથી વધુ ૩૬૫૨ નવા ૧૮ થી ૧૯ વર્ષના યુવા મતદારોએ નોંધણી કરાવી છે. જયારે ૭૬ – કાલાવડ બેઠક પર ૨૯૧૩, ૭૭ – જામનગર ગ્રામ્યમાં ૩૧૩૧, ૭૮ – જામનગર ઉતરમાં ૨૪૫૫, ૭૯ – જામનગર દક્ષિણમાં ૨૨૪૫ યુવા મતદારોનો સમાવેશ થાય છે. યુવા મતદારોમાં ૮૩૪૩ પુરૂષ અને ૬૦૫૩ મહિલા મતદારનો સમાવેશ થાય છે.