વડોદરા, તા.૨૬

લગ્નસરાની મોસમ પૂરબહારમાં જામી છે જેથી બજારોમાં સોના-ચાંદીના દાગીના, કપડાં વગેરેની ખરીદી માટે ભારે ભીડના દૃશ્યો જાેવા મળી રહ્યાં છે. તો લગ્ન સાથે જાેડાયેલા કેટરર્સ સહિત વ્યવસાયકારોને ભારે તડાકો પડવા સાથે દોડધામ વધી છે. દીપોત્સવી પર્વ દરમિયાન જાેવા મળેલી ભીડ પુનઃ જાેવા મળી રહી છે. દેવઊઠી એકાદશી બાદ લગ્નના મુહૂર્ત્‌ તા.૧પ ડિસેમ્બર સુધી છે. તે બાદ ધનારકના કમુહૂર્ત શરૂ થશે. જે બાદ છેક તા.૧પ જાન્યુઆરી પછી લગ્નના મુહૂર્ત છે જેથી દેવદિવાળી બાદ જ ઠેરઠેર લગ્ન સમારોહના આયોજનો થતાં જાેવા મળી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન એનઆરઆઈ પણ લગ્ન માટે આવતા હોય છે.

લગ્નસરાની મોસમમાં વાડી, હોલ, રિસોર્ટ, પાર્ટીપ્લોટ, હોટેલ, બેન્કવેટ જેવા સ્થળોએ લગ્ન માટે જગ્યા મળવી પણ મુશ્કેલ બની રહી છે. જાે કે, જેઓએ અગાઉથી એટલે કે ઉનાળાના સમયમાં જ પાર્ટપ્લોટ, હોટેલો, હોલ, વાડી, બેન્કવેટ જેવા સ્થળો બુકિંગ કરાવ્યા છે તેવા લોકોના લગ્ન સમારોહના આયોજનો પૂરબહારમાં ખીલી ઊઠયા છે. લગ્નસરાશરૂ થતાં જ બજારોમાં પણ ભીડ જાેવા મળી રહી છે. લગ્નપ્રસંગ માટે જરૂરી વસ્તુઓ જેવી કે સોનું, ચાંદી, કપડાં વગેરેની ખરીદી માટે ભારે ભીડ જાેવા મળી રહી છે. આમ પણ ઉનાળાની ગરમીમાં લોકો હવે લગ્નપ્રસંગ કરવાનું ટાળી રહ્યા છે તેથી શિયાળામાં લગ્ન સમારોહના આયોજનો વધુ થતાં જાેવા મળે છે. લગ્ન સમારોહોમાં જવા માટે પરિવારજનોને ભારે દોડધામ કરવી પડે છે. તો લગ્ન સમારોહ સાથે સંલગ્ન ધંધા જેવા કે કેટરિંગ, બ્યૂટી પાર્લર, ગોર મહારાજાે, બેન્ડવાજા, ડી.જે. જેવા વ્યવસાયકારોને પણ ભારે દોડધામ સાથે તડાકો પડયો છે.